સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાંથી મોબાઈલ મળવાનો સિલસિલો જારી રહ્યો છે. સુરક્ષાના ધાંધિયા વચ્ચે કાચા કામના કેદીના અંડરવેરમાંથી મોબાઈલ મળી આવ્યો હતો. અમદાવાદ-વડોદરાની જેલ ઝડતી સ્કવોડે સ્થાનિક લાજપોર જેલની આબરૂના ધજાગરા ઉડાડ્યા બાદ ચામડી બચાવવા ચેકિંગના નામે હવાતિયા મારી એકલ-દોકલ કેસ કરાઈ રહ્યા હોવાની ચર્ચા ઉઠી છે. ગત તા. 31 ઓક્ટોબરના રોજ સવારે લાજપોર જેલના યાર્ડના સર્કલ ખાતે સુબેદાર વિહા ભાદરકાને સુપરવિઝનની ફરજ સોંપવામાં આવી હતી.સવારના અરસામાં તેઓએ બેરેક પાસે રાઉન્ડ લીધો હતો. આ દરમિયાન કાચા કામના કેદીની હિલચાલ શંકાસ્પદ જણાતા તેની અંગઝડતી કરવામાં આવી હતી.

છોટુ રામખિલાડી યાદવ વિરુદ્ધ સચિન પોલીસમાં ગુનો

તપાસ દરમિયાન કેદીએ પહેરેલા પેન્ટની અંદરના ચડ્ડા કેહી કે અંડરવેરના ડાબી બાજુના ખિસ્સામાંથી જે કલરનો કેયોડા કંપનીનો સિમકાર્ડ વગરનો એક મોબાઈલ મળી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીનું નામ દિનેશ ઉર્ફે છોટુ રામખિલાડી યાદવ હોવાનું બહાર આવ્યું હતું. જેલર શિવકુમાર બામણભાઈ તડવીની ફરિયાદના આધારે સચિન પોલીસે દિનેશ ઉર્ફે છોટુ રામખિલાડી યાદવ વિરુદ્ધ સચિન પોલીસમાં ગુનો નોંધાયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, લાજપોર જેલ વિવાદનો પર્યાય બની છે. છેલ્લા એક મહિનાથી ઉપરાછાપરી મોબાઈલ મળી રહ્યા છે. 

છેલ્લા 1 માસમાં 25 જેટલા મોબાઈલ મળ્યા

અમદાવાદ જેલ ઝડતી સ્કવોડે સરપ્રાઈઝ ચેકિંગ કરી એક સાથે 11 મોબાઈલ પકડી પાડી લાજપોર જેલ તંત્રની પોલ ઉઘાડી પાડવા સાથે જેલમાં ચાલતા વીઆઈપી કલ્ચરનો પણ ભાંડો ફૂટી ગયો હતો. આ મામલે ચોમેરથી ભારે માછલા ધોવાતા ડીજીપીએ જેલના સુબેદાર, હવાલદાર, સિપાહી સહિત ટેન્સ્પેન્ડ કરી દેવા સાથે 1 જેલરની બદલી કરી દીધી હતી. સાથોસાથ કેશિયર ચિરાગ ભગવાડ સહિત 4 કેદીની પણ જેલ ટ્રાન્સફર કરી દેવાઈ હતી. જોકે, ત્યારબાદ પણ જેલમાં ગોરખધંધા જારી રહ્યા હતા અને છેલ્લા 1 માસમાં 25 જેટલા મોબાઈલ, ચાર્જર વગેરે મળી આવ્યા હતા.

જેલના અસલી સૂત્રધારોના પગ તળે રેલો આવશે?

જેલમાં મોબાઈલ, પાન-મસાલા, સિગારેટ કઈ રીતે અને કોની મહેરબાનીથી પહોંચે છે તે કોયડો હજુ ઉકેલાયો નથી. જે બાબત જ જેલ તંત્રના અભેદ્ય સુરક્ષા દાવાની પોલ ઉઘાડી પાડે છે. જેલમાં એક્શનના નામે મગરમચ્છોને બચાવવા નાની માછલીઓને ધરે ભેગી કરાઈ હોવાની ચર્ચા બળવત્તર બની છે ત્યારે જેલમાં ઘર કરી ગયેલી ગંદકીને સાફ કરવા અધિકારીઓ પર પણ કડક શિક્ષાત્મક પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે. ગોટી જેવા કેદીઓ પણ વગદારોના જોરે જેલને બદનામ કરી રહ્યા છે ત્યારે આવા કેદીઓ પર પણ તપાસ થવી આશક્યતા છે.

આ પણ વાંચોઃ Rajkot News: સૌરાષ્ટ્ર કચ્છમાં PGVCLની 6 મહિનાની ડ્રાઈવમાં 183 કરોડની વીજચોરી ઝડપાઈ