સુરત શહેરમાં હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી જ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીના આંકડા મુજબ સમગ્ર શહેરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વરાછા ઝોન A માં 113 મિમી અને વરાછા ઝોન B માં 112 મિમી ખાબક્યો છે. સુરતમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે ભૂકંપનો આંચકો અનુભવાયો છે.  

પૂરની સ્થિતિ વચ્ચે 3.2ની તિવ્રતાનો આંચકો નોંધાયો

સુરતમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે 3.2ની તિવ્રતાનો આંચકો નોંધાયો છે. રાત્રે 11.9 કલાકે ભૂકંપનો આંચકો નોંધાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરતથી 42 કિ.મી દૂર હોવાનું જાણવા મળ્યું છે. વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો છે.નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધતાં પોલીસે ત્યાં રહેતા નાગરિકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરી છે. શહેરના જળમગ્ન વિસ્તારોમાં વાહનવ્યવહાર પૂર્વવત રાખવા અને ટ્રાફિક સમસ્યા નિવારવા માટે પોલીસ જવાનો ખડેપગે સેવા આપી રહ્યા છે, તેમજ પાણી ભરાયેલા મુખ્ય માર્ગો પરથી વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

પોલીસે મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરી

સુરત પોલીસે નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરી છે.પોલીસે લોકોને અપીલ કરી છે કે નીચાણવાળા કે પાણી ભરાયેલા વિસ્તારો અને વહેતા પાણીમાં વાહનો ન હંકારવા તથા પૂરના પાણીમાં નાહવા કે તરવા ન જવું. આ ઉપરાંત સોસાયટી વિસ્તારોમાં ભરાયેલા પાણી કે ખાડાઓની આસપાસ ચેતવણીના નિશાન લગાવવા અને ઇલેક્ટ્રિક લાઇન સંબંધિત કામગીરીમાં પૂરતી સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે. કોઈપણ સંકટ કે કટોકટીના સમયે તાત્કાલિક મદદ મેળવવા માટે પોલીસ કંટ્રોલ રૂમના નંબર ૧૧૨ પર સંપર્ક કરવા પણ જણાવાયું છે.

આ પણ વાંચોઃ Gujarat Weather Update: મેઘરાજા મુશળધાર વરસશે, અમદાવાદ, સુરત, વડોદરા સહિત અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ