સુરત શહેરના ભેસ્તાન ઉન વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક અને દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં એક માસૂમ બાળકીનું બુલેરો પિકઅપ વાનની ટક્કરથી કરુણ મોત નીપજ્યું છે. મૃતક બાળકીની ઓળખ જેનલ મિરાજ હેમાહદ (ઉંમર 4 વર્ષ) તરીકે થઈ છે. આ દુર્ઘટના ત્યારે સર્જાઈ જ્યારે માસૂમ બાળકી પોતાના ઘરની નજીક રમતા રમતા અચાનક ગાડીની અડફેટમાં આવી ગઈ હતી. પિકઅપ વાનની ટક્કર એટલી જોરદાર હતી કે નાની બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે અને લોકોમાં રોષની લાગણી પણ જોવા મળી રહી છે.
ટૂંકી સારવાર બાદ ડૉક્ટરે મૃત જાહેર કરી
અકસ્માત સર્જાતાની સાથે જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં પડેલી બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાળકીને ગંભીર પ્રકારની ઇજાઓ થઈ હોવાથી ડૉક્ટરો દ્વારા તેની ટૂંકી સારવાર શરૂ કરવામાં આવી હતી. જોકે, ઇજાઓ એટલી ગંભીર હતી કે ડૉક્ટરોની તમામ કોશિશો છતાં બાળકીને બચાવી શકાઈ નહોતી અને અંતે ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી. જેનલ ત્રણ બહેનોમાંથી સૌથી નાની હતી, જેના કારણે તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.













