સુરતમાં શિક્ષણ ક્ષેત્રે કાર્યરત એક મહિલા પ્રોફેસર સાથે વિદેશમાં સ્થાયી થવાના સપનાની લાલચ આપીને રૂ. 9 લાખની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. આ છેતરપિંડી વડોદરાના એક જ્યોતિષ દ્વારા કરવામાં આવી છે. મહિલા પ્રોફેસરે આખરે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં જ્યોતિષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહિલા પ્રોફેસરનો સંપર્ક વડોદરાના ભરત શાહ નામના જ્યોતિષ સાથે થયો હતો. જ્યોતિષે મહિલા પ્રોફેસરને UKમાં પાંચ વર્ષના વિઝા અને કાયમી રેસિડેન્સી અપાવવાનું વચન આપ્યું હતું.
UKમાં કાયમી વિઝા અપાવવાના નામે છેતરપિંડી
આ માટે તેણે અલગ-અલગ તબક્કે કુલ રૂ. 9 લાખની રકમ પડાવી હતી. સમય વીતતા જ્યારે મહિલા પ્રોફેસરને જ્યોતિષની વાતો પર શંકા ગઈ ત્યારે તેમણે વિઝા અને રેસિડેન્સી સંબંધિત દસ્તાવેજોની વિગતો માંગી હતી. જોકે જ્યોતિષે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો અને સ્પષ્ટ થઈ ગયું હતું કે તેણે આવી કોઈ વ્યવસ્થા કરી નથી. આખરે જ્યારે મહિલા પ્રોફેસરે પોતાના પૈસા પાછા માંગ્યા ત્યારે જ્યોતિષે માત્ર રૂ. 95,000 પાછા આપ્યા હતા અને ત્યારબાદ તે સંપર્કવિહોણા થઈ ગયો હતો.













