સુરત શહેરમાં બીઆરટીએસ બસ ચાલકોની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. દિલ્હી ગેટ પાસે એક BRTS બસે ટ્રાફિક પોલ સાથે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે બસ ચાલક નશાની હાલતમાં હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. 17 નંબરની BRTS ઈ-બસ કામરેજથી પાલ તરફ જઈ રહી હતી.


નશાની હાલતમાં અકસ્માત કર્યાનો આરોપ

જ્યારે બસ દિલ્હી ગેટ પાસે પહોંચી ત્યારે ડ્રાઇવરે અચાનક બસ પરનો કાબૂ ગુમાવ્યો અને બસ ધડાકાભેર ટ્રાફિક પોલ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત બાદ મુસાફરોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ગભરાયેલા મુસાફરો બસમાંથી ઉતરીને ભાગવા લાગ્યા હતા. જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા કે જાનહાનિ થઈ નથી.

દિલ્લી ગેટ ટ્રાફિક પોલ સાથે BRTS અથડાઇ

ઘટનાની જાણ થતાં જ મહિધરપુરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે બસ ચાલકની ધરપકડ કરી છે અને તેના નશાની હાલતની ચકાસણી માટે તબીબી તપાસ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરી પરિવહન સેવાઓમાં ડ્રાઇવરોની યોગ્ય ચકાસણી અને નિયમિત નિરીક્ષણની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. જેથી આવા અકસ્માતોને અટકાવી શકાય.


  • Follow us on: