સુરતમાં 7 વર્ષના બાળક પર પાલતુ શ્વાને હુમલો કર્યો છે અને પૂણાની રુદ્રામણિ સોસાયટીમાં હુમલાની ઘટના બની હતી, શ્વાન માલિકની હાજરીમાં જ બાળક પર હુમલો થયો છે, શ્વાનના હુમલામાં બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને શ્વાન માલિકે ફરિયાદ કરી દેવાની ધમકી આપી હોવાનો પરિજનોનો આક્ષેપ છે, તો પુણા પોલીસે ફરિયાદને બદલે માત્ર અરજી લીધી હોવાની વાત સામે આવી છે.
પુણાની રુદ્રમણિ સોસાયટીમાં 7 વર્ષના બાળક પર પાલતુ જર્મન શેફર્ડ શ્વાને કર્યો હુમલો
બાળક સોસાયટીમાં રમી રહ્યો હતો અને તે દરમિયાન પાલતુ શ્વાન લઈને માલિક આવે છે અને સોસાયટીમાં આંટાફેરા શ્વાન સાથે મારી રહ્યાં છે, તે દરમિયાન પાલતુ શ્વાને અચાનક રમતા બાળક પર હુમલો કર્યો છે અને બાળકને પગના ભાગે ઈજા પહોંચી છે, શ્વાન માલિકને પરિજનો કહેવા જતા શ્વાન માલિકે ધમકી આપી કે જયાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લો તમે કઈ બગાડી નહિ લો બધાને કોર્ટમાં લઇ જઈશ આવી ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, સમગ્ર મામલે પરિવાર પૂણા પોલીસ મથકે પહોંચ્યા હતા.
જો કૂતરૂ કરડે તો શું ન કરવું જોઈએ?
ઘા નાનો હોય તો અવગણશો નહિ
ઘા પર મીઠું, હળદર, મરચુ, સરસવનું તેલ ન લગાવશો.
હડકવવા (રબીઝ)ની રસી લેવામાં વિલંબ ન કરો તે જીવલેણ બની શકે છે.
કૂતરું ન કરડે તેના માટે શું ધ્યાન રાખવું જોઈએ.
અજાણ્યા કૂતરાને હેરાન ન કરો, પથ્થર કે લાત ન મારવી.
કૂતરાની નજીક અચાનક ન જવું, ખાસ કરીને જ્યારે તે ખાઈ રહ્યું હોય કે તેના ગલૂડિયા સાથે હોય.
કૂતરો ભસે તો દોડશો નહિ, શાંતિથી ઉભા રહો. કૂતરાની આંખોમાં સીધી નજર ન કરો અને ધીમે ધીમે પાછળ હટો.
બાળકોએ કૂતરાની પૂંછડી પકડવી નહિ અને તેને પજવવું નહિ.
કૂતરાને નિશ્ચિત કરેલી જગ્યા પર જ ખવડાવો. (લોકોની અવરજવર વાળી જગ્યાથી દૂર)
જો કૂતરૂ કરડે તો શું કરવું જોઈએ ?
સૌ પ્રથમ, ઘાને સાબુ અને સ્વચ્છ વહેતા પાણીથી 15 મિનિટ સુધી સારી રીતે ધોઈ લો.
ઘા પર ઉપલબ્ધ એન્ટિસેપ્ટિક (આયોડિન/સ્પિરિટ વગેરે) લગાવો.
તરત જ રસી લો અને તબીબની સલાહ અનુસાર રસીકરણનો કોર્સ પૂર્ણ કરો.
પાલતુ પ્રાણીઓને હડકવા (રેબીઝ)થી બચાવવા માટે શું કરવું જોઈએ?
તમારા પાલતુ પ્રાણીઓની નોંધણી કરાવો અને નિયમિતપણે હડકવા વિરોધી રસી અપાવો.
તમારા પાલતુ પ્રાણીઓને હંમેશા તમારા નિરીક્ષણ હેઠળ રાખો.
તમારા પાલતુ પ્રાણીઓને રખડતા પ્રાણીઓથી દૂર રાખો..
જો તમારા પાલતુ પ્રાણીને કોઈ અજાણ્યું પ્રાણી કરડે છે, તો તરત જ તેને તમારી નજીકની પશુચિકિત્સા હૉસ્પિટલમાં લઈ જાઓ.
જો તમારા પાલતુ પ્રાણીમાં હડકવા જેવા લક્ષણો દેખાય, તો તાત્કાલિક તમારા નજીકના પશુચિકિત્સક/મ્યુનિસિપાલિટી અધિકારીને જાણ કરો.