સુરત શહેરના સરથાણા વિસ્તારમાં ગઈ કાલે રાત્રે ભીષણ આગની ઘટના બની હતી. સીમાડા પોલીસ ચોકીની બાજુમાં આવેલ એક વિશાળ પૂઠાંના ગોડાઉનમાં આ આગ લાગી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા, જેના પગલે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો.


સરથાણામાં પૂંઠાના ગોડાઉનમાં આગ

આગ લાગવાનો બનાવ રાત્રે 9 વાગ્યા આસપાસ બન્યો હતો. ગોડાઉનમાં મોટી માત્રામાં પૂઠાંનો જથ્થો હોવાથી આગે ખૂબ જ ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ગોડાઉનમાં ઓનલાઇન માર્કેટિંગનો સામાન પણ રાખેલો હોવાથી નુકસાનની માત્રા વધુ ગંભીર બની હતી.બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. આગની ગંભીરતાને જોતા, શહેરના 5 ફાયર સ્ટેશનની કુલ 10 જેટલી ફાયર ફાઇટર ગાડીઓ સ્થળ પર મોકલવામાં આવી હતી. ફાયરના જવાનોએ તુરંત જ પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું. આગ એટલી પ્રચંડ હતી કે તેના પર કાબૂ મેળવવો એક મોટો પડકાર હતો.

10 ફાયર ફાયટર દ્વારા આગ પર કાબૂ મેળવાયો

ફાયર બ્રિગેડના જવાનોએ લગભગ ત્રણ કલાકની ભારે જહેમત અને સતત પ્રયાસો બાદ વહેલી સવારે આગ ઉપર સંપૂર્ણપણે કાબૂ મેળવ્યો હતો અને તેને અન્ય સ્થળોએ ફેલાતી અટકાવી હતી. સદભાગ્યે, આ ભીષણ આગની ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી. જોકે, આગને કારણે ગોડાઉનમાં રાખેલો પૂઠાંનો જથ્થો અને અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો હતો, જેના પગલે મોટા પાયે આર્થિક નુકસાન થયાનું પ્રાથમિક અનુમાન છે. આગ કયા કારણોસર લાગી તે જાણવા માટે ફાયર અને પોલીસ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

  • Follow us on: