સુરતના સારોલી વિસ્તારમાં પોલીસે એક લક્ઝરી બસમાંથી આશરે 78 લાખ રૂપિયાનો હાઈબ્રીડ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે અને ગાંજાનો સપ્લાય કરનાર તેમજ મેળવનાર બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે. સુરત-સારોલી રોડ પર નિયમિત ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક લક્ઝરી બસને રોકી હતી. બસની તપાસ કરતાં અંદરથી મોટી માત્રામાં શંકાસ્પદ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.


મયુદીન ચાવડા, આદિબ શ્રીમાળી ગાંજા સાથે ઝડપાયા

જેની બજાર કિંમત આશરે 78 લાખ રૂપિયા અંદાજવામાં આવી છે. આ ગાંજો અત્યંત ઉચ્ચ ગુણવત્તાનો એટલેકે હાઈબ્રીડ ગાંજો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી બે આરોપીઓ મયુદીન અકબર ચાવડા અને આદિબ હાજી શ્રીમાળીની ધરપકડ કરી છે. બંને આરોપીઓ મૂળ પાલીતાણાના રહેવાસી છે. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે એક આરોપી કાપડનો વેપારી છે જ્યારે બીજાની બેટરીની દુકાન છે.

બે આરોપી મુંબઇથી લાવ્યા હતા હાઇબ્રીડ ગાંજો

બંને આરોપીઓ મુંબઈથી આ ગાંજાનો જથ્થો લાવ્યા હતા અને સુરતમાં વસીમ રફીક નામના ઈસમ પાસે પહોંચાડવાના હતા. પોલીસે ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર મુંબઈના ઈમરાન અને સુરતમાં ગાંજો મેળવનાર વસીમ રફીકને વોન્ટેડ જાહેર કર્યા છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ મોટા ગાંજાના રેકેટનો પર્દાફાશ થતાં સુરતના ડ્રગ્સ માફિયાઓમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ દ્વારા આ નેટવર્કના અન્ય સભ્યોને પકડવા માટે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.


  • Follow us on: