સુરતના અમરોલી વિસ્તારમાં ખરાબ રસ્તા અને ખાડાને કારણે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક યુવકનું કરૂણ મૃત્યુ થયું છે. બાઈક સ્લીપ થતાં પાછળથી આવતી ટ્રકનું ટાયર ફરી વળતા આ યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવકોનો આબાદ બચાવ થયો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ અકસ્માત સુરતના અમરોલી વિસ્તારમાં બન્યો હતો. એક બાઈક પર ત્રણ યુવકો સવાર હતા.


પાછળ આવતી ટ્રકનું ટાયર ફરી વળતા યુવકનું મોત

રસ્તો અત્યંત ખરાબ હોવાને કારણે અને ખાડાઓના કારણે બાઈક ચાલકે અચાનક સંતુલન ગુમાવ્યું હતું. જેના કારણે ત્રણેય યુવકો નીચે પટકાયા હતા. દુર્ભાગ્યવશ પાછળથી આવી રહેલી એક ટ્રકનું ટાયર શંભુનાથ નામના યુવક પર ફરી વળ્યું. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બાઈક પર સવાર અન્ય બે યુવકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. પરંતુ તેમનો આબાદ બચાવ થયો હતો.

બાઇક પર સવાર અન્ય બે યુવકોનો આબાદ બચાવ

આ ઘટનાના સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કેવી રીતે બાઈક સવાર યુવકો રસ્તાની ખરાબ હાલતને કારણે નીચે પટકાયા અને ગણતરીની સેકન્ડોમાં જ આ દુર્ઘટના બની. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ માંગણી કરી છે કે આવા ખરાબ રસ્તાઓને તાત્કાલિક રીપેર કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોને અટકાવી શકાય.


  • Follow us on: