સુરત રેલવે સ્ટેશન પર ગઈ કાલે એક હચમચાવી દેનારો બનાવ બન્યો હતો, જેમાં ચાલુ ટ્રેને ચઢવા જતી એક મહિલા અને તેના બાળકનો જીવ રેલવે પોલીસ જવાન અને અન્ય મુસાફરોની અપ્રતિમ બહાદુરી અને ઝડપી કાર્યવાહીને કારણે બચી ગયો હતો. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ અકસ્માત કેટલો ગંભીર બની શક્યો હોત. આ બનાવમાં મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપમાં આવી જાય તે પહેલાં જ તેમને બચાવી લેવાયા હતા.


સુરતમાં ચાલુ ટ્રેનમાં ચઢવા જતા મહિલા પટકાઈ

બનાવની વિગતો મુજબ, એક મહિલા પોતાના બાળક સાથે પ્લેટફોર્મ પરથી ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહી હતી. ટ્રેન ગતિ પકડી રહી હોવાથી મહિલાનો સંતુલન ગુમાવ્યું અને તેઓ નીચે પટકાયાં. આ સમયે મહિલા અને બાળક બન્ને ટ્રેન અને રેલવે ટ્રેક વચ્ચેના ગંભીર ગેપ તરફ ખેંચાઈ રહ્યા હતા, જેના કારણે મોટી જાનહાનિ થવાનો ભય હતો. આ જીવલેણ પરિસ્થિતિમાં, સુરત રેલવે પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જીગ્નેશ હિરજીભાઈ (જિગ્નેશભાઈ)ની સતર્કતા અને સમયસૂચકતા દેખાઈ આવી. જીગ્નેશભાઈએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ત્વરિત કાર્યવાહી કરી અને મહિલાને પકડી લીધા. તેમની સાથે જ, ત્યાં હાજર અન્ય પેસેન્જર પણ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.

રેલવે પોલીસ અને અન્ય પેસેન્જરે બચાવ્યો જીવ

પોલીસ જવાન જીગ્નેશભાઈ અને અન્ય મુસાફરોએ ભેગા મળીને ભારે જહેમતથી મહિલાને ખેંચીને પ્લેટફોર્મ પર સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. આ ઘટનામાં મહિલાને સામાન્ય ઈજાઓ થઈ હતી, પરંતુ જીગ્નેશભાઈની બહાદુરીને કારણે માતા અને બાળકનો આબાદ બચાવ થયો હતો. જો એકાદ સેકન્ડનો પણ વિલંબ થયો હોત, તો પરિણામ ગંભીર આવી શક્યું હોત.રેલવે પોલીસે ફરી એકવાર મુસાફરોને અપીલ કરી છે કે ચાલુ ટ્રેને ચઢવું કે ઉતરવું હંમેશા જોખમી છે અને તે કાયદાકીય રીતે પણ ગુનો છે. જીગ્નેશભાઈની આ ફરજપરસ્તી અને માનવતાના કાર્યની રેલવે વિભાગ સહિત સમગ્ર સુરત શહેરમાં પ્રશંસા થઈ રહી છે.

  • Follow us on: