સુરત શહેરના સચિન વિસ્તારમાં ચાલી રહેલા મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને નિશાન બનાવીને ચોરીના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા હતા. પોલીસે આ ચોરીના ગુનામાં સામેલ પાંચ આરોપીઓને ઝડપી પાડીને પ્રોજેક્ટની સુરક્ષા સામે સવાલ ઉભા કરનાર ટોળકીનો પર્દાફાશ કર્યો છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ચોરી કરનાર 5 ઝડપાયા
આ ચોરીની ઘટનાઓમાં જે સામગ્રી ગાયબ થઈ હતી તે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ચોર ટોળકીએ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ સાઇટ પરથી ટ્રેકના નિર્માણમાં ઉપયોગમાં લેવાતી કીમતી વસ્તુઓ જેવી કે પ્લેટ, બોલ્ટ અને ખાસ કરીને જાપાની કંપનીની મોંઘી સ્પ્રિંગ્સની ચોરી કરી હતી. આ તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂ. 3.52 લાખ જેટલી થવા જાય છે. આ ઉપરાંત, આ જ ટોળકીએ નજીકમાં આવેલી અન્ય એક કંપનીના પ્રોજેક્ટ સાઇટને પણ નિશાન બનાવી હતી અને ત્યાંથી રૂ. 1.80 લાખની કિંમતના સળિયાઓની ચોરી કરી હોવાનું પણ સામે આવ્યું છે. આમ, આ ટોળકીએ કુલ રૂ. 5 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી હતી.













