સુરત અને ભરૂચને જોડતા સાહોલ બ્રિજની ઉંમર 50 વર્ષથી વધુ છે અને અત્યાર સુધી તેની સુરક્ષાને લઈને કોઈ ખાસ ધ્યાન આપવામાં આવ્યું નહોતું. નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) હવે મોડે મોડે જાગી છે અને આ બ્રિજની મજબૂતાઈ તપાસવાનું શરૂ કર્યું છે. એક તબક્કે, આ બ્રિજ પરથી વાહનો પસાર થતા હતા અને તેની નીચેની સપાટી પરથી સિમેન્ટ અને લોખંડના સળિયા દેખાતા હતા, છતાં તંત્રએ કોઈ ધ્યાન આપ્યું નહોતું. હવે, જ્યારે આ બ્રિજ ખરાબ હાલતમાં પહોંચી ગયો છે ત્યારે તંત્રને તેની યાદ આવી છે. શું કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોવામાં આવી રહી હતી?
પિલર અને સ્પાનનું ડ્રિલિંગ કરીને નિરીક્ષણ
બ્રિજની સ્થિતિ તપાસવ માટે લોડિંગ અને ટેસ્ટિંગ મશીન દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે. બ્રિજના પિલ્લર અને સ્પાનમાં ડ્રિલિંગ કરીને તેની આંતરિક મજબૂતીની તપાસ થઇ રહી છે. આ કામગીરી દર્શાવે છે કે, તંત્રને અ બ્રિજની સુરક્ષા બાબતે કેટલી શંકા છે. વર્ષોથી જે બ્રિજ પર હજારો વાહનો પસાર થતા હતા, તેના પર લોકોના જીવ જોખમમાં મૂકીને તંત્રએ પોતાની ફરજ પ્રત્યે બેદરકારી દાખવી છે. નાગરિકોના જીવની સુરક્ષા કરતા તંત્રને જો આટલો સમય લાગતો હોય તો તેમની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉભા થાય છે.
ટેસ્ટિંગ રિપોર્ટ બાદ લેવાશે અંતિમ નિર્ણય
આખરે, ટેસ્ટિંગ રિપોર્ટ બાદ જ બ્રિજ વિશે કોઈ નિર્ણય લેવામાં આવશે. પરંતુ ત્યાં સુધી આ બ્રિજ પરથી પસાર થતા લોકોની સલામતીનું શું? તંત્રની આ ધીમી ગતિ અને બેદરકારી એ દર્શાવે છે કે સરકારી કામકાજમાં લોકોના હિત કરતાં નિયમો અને કાગળની કાર્યવાહીને વધુ મહત્વ આપવામાં આવે છે. આશા રાખીએ કે આ રિપોર્ટ ઝડપથી આવે અને તંત્ર તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરે, જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને.