સુરત (Surat) શહેર અને જિલ્લાના રહીશો માટે એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશના પ્રખ્યાત આગ્રા-લખનઉ એક્સપ્રેસવે (Agra-Lucknow Expressway) પર સુરતથી પ્રવાસે ગયેલા શ્રદ્ધાળુઓની એક ટ્રાવેલર બસ ભયાનક અકસ્માતનો શિકાર બની છે. આ ગોઝારી દુર્ઘટનામાં બસમાં સવાર બે (2) મુસાફરોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
ઉભેલા ટ્રેલર પાછળ ધડાકાભેર અથડાઈ ટ્રાવેલર બસ
પ્રાપ્ત વિગતો અનુસાર, ટ્રાવેલર બસમાં ડ્રાઈવર સહિત કુલ બાર (12) જેટલા લોકો સવાર થઈને જઈ રહ્યા હતા. મુસાફરી દરમિયાન એક્સપ્રેસવે પર અચાનક જ એક ટ્રેલર ઊભેલું હતું, જેની પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી આ ટ્રાવેલર બસ ધડાકાભેર અથડાઈ ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસના આગળના ભાગના વ્હીર ઉડી ગયા હતા. આ અકસ્માતમાં મૃત્યુ પામનાર બંને યાત્રીઓ સુરત જિલ્લાના ઓલપાડ (Olpad) તાલુકાના બોલાવ (Bolav) ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
