સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા બધા માટે સમાન છે તેવો મજબૂત સંદેશો આપતા સુરત પોલીસ કમિશનરની સૂચનાથી ડુમસ પોલીસે એરપોર્ટ રોડ પર મનમાની કરનારા વીઆઈપી સમર્થકો સામે લાલ આંખ કરી છે. ઉત્તર પ્રદેશના એક ધારાસભ્ય સુરતની મુલાકાતે આવી રહ્યા હોવાથી, સ્થાનિક સ્તરે તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં લક્ઝરી ગાડીઓ એરપોર્ટ પર એકત્રિત થઈ હતી. આ ગાડીઓએ રસ્તા પર લાઈન લગાવીને સ્ટંટબાજી અને ટ્રાફિક બ્લોક કરવાનો પ્રયાસ કર્યો હતો.

ગેરકાયદે કાફલો અને સામાન્ય જનતા હેરાન

પ્રાપ્ત વિગતો અનુસાર, ઉધના-મગદલ્લાથી લઈને એરપોર્ટ સુધીના રોડ પર ૧૦ થી વધુ લક્ઝરી ગાડીઓ હાઈ-સ્પીડમાં અને હૂંટીંગ કરતા નીકળી હતી. આ કાફલા માટે સુરત પોલીસ વિભાગ કે આરટીઓ (RTO) પાસેથી કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી લેવામાં આવી નહોતી. વળી, તમામ ગાડીઓના કાચ સંપૂર્ણ કાળા હતા, જે સુરક્ષાની દ્રષ્ટિએ મોટો ગુનો બને છે. આ કાફલાના કારણે સામાન્ય મુસાફરો કે જેઓ ફ્લાઇટ પકડવા એરપોર્ટ જઈ રહ્યા હતા તેઓ ટ્રાફિક જામમાં ફસાયા હતા અને રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

વીડિયોના આધારે પોલીસે રાતોરાત નંબર પ્લેટ્સ ટ્રેક કરી

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) અને ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયો હતો, જેમાં નેતાના સમર્થકો નિયમો તોડતા સ્પષ્ટ દેખાતા હતા. વીડિયો વાયરલ થતાં જ ડુમસ પોલીસ સ્ટેશનની ટીમ સક્રિય થઈ હતી અને સીસીટીવી તેમજ વાયરલ વીડિયોના આધારે ગાડીઓના નંબર મેળવી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં ૪ લક્ઝરી કારને દબોચી લીધી હતી. પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં લાવીને આ ગાડીઓ પરથી પ્રતિબંધિત કાળી ફિલ્મ ઉખાડી નાખવામાં આવી હતી અને કડક કલમો હેઠળ મેમો આપી દંડ વસૂલવામાં આવ્યો છે. બાકીની ગાડીઓના માલિકોને પણ પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Surat: મલ્ટી લેવલ પાર્કિંગમાં બિનવારસી કારમાં લાગી ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં