સુરત મહાનગરપાલિકાની મલ્ટી લેવલ પાર્કિંગ બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં ગઈકાલે એકાએક આગ ફાટી નીકળતા તંત્ર અને સ્થાનિક લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. લાંબા સમયથી બિનવારસી અને બિનઉપયોગી હાલતમાં પાર્ક કરાયેલી એક જૂની કારમાં એકાએક કોઈ કારણસર ધુમાડો નીકળ્યા બાદ લપેટો ઉઠવા લાગી હતી.


રવિવારની રજા આશીર્વાદરૂપ સાબિત થઈ

સામાન્ય દિવસોમાં મિલેનિયમ માર્કેટ અને તેની આસપાસના આ મલ્ટી લેવલ પાર્કિંગમાં હજારો ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ખીચોખીચ પાર્ક થયેલા હોય છે. પરંતુ સદનસીબે ગઈકાલે રવિવાર હોવાથી કાપડ બજાર સત્તાવાર બંધ હતું અને પાર્કિંગ કમ્પાઉન્ડ મોટેભાગે ખાલી હતું. આગ લાગી તે કારની આસપાસ અન્ય કોઈ મોંઘા વાહનો પાર્ક ન હોવાથી આગ અન્ય વાહનોમાં પ્રસરી શકી નહોતી. જો આ ઘટના ચાલુ ચાલુ માર્કેટે કે અઠવાડિયાના સામાન્ય દિવસોમાં બની હોત, તો આગની લપેટમાં અન્ય વાહનો પણ આવી જાત અને પાર્કિંગમાં મોટો બ્લાસ્ટ થવાની ભીતિ રહેતી.

ફાયર વિભાગ દ્વારા તપાસનો દોર શરૂ

આગ એટલી તીવ્ર હતી કે કારના ટાયર ફાટવાના અવાજો પણ સંભળાયા હતા. ફાયર સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું કે, તેમની ટીમે તાત્કાલિક સ્પોટ પર પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે પાર્કિંગની મુખ્ય બિલ્ડિંગ કે ઇલેક્ટ્રિક વાયરિંગને કોઈ નુકસાન થયું નથી. જોકે, આ કાર બિનવારસી હોવાથી તેમાં બેટરી શોર્ટ સર્કિટ થઈ કે કોઈએ સળગતી બીડી-સિગારેટ ફેંકી અથવા કોઈ અસામાજિક તત્વો દ્વારા આ કૃત્ય આચરવામાં આવ્યું છે, તે તમામ પાસાઓ પર સુરત ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસની મદદથી તપાસ ચલાવી રહ્યું છે.

આ પણ વાંચો: Monsoon 2026 : ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય, જાણો તમારા જિલ્લામાં મેઘરજાની મહેર ક્યારે થશે ?


  • Follow us on: