સુરત શહેરના અલથાણ વિસ્તારમાં રહેતા અને મૂળ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના વતની જયદીપ વાજાના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ગત 11 ઓગસ્ટ, 2026ના રોજ જયદીપ વાજા પરિવાર સાથે પોતાના એપાર્ટમેન્ટના ચોથા માળે આવેલા ફ્લેટમાં હતા, તે દરમિયાન તેમનું 1 વર્ષનું માસૂમ બાળક ગેલેરીમાં રમી રહ્યું હતું. રમતાં રમતાં માસૂમ બાળક અચાનક ચોથા માળની ગેલેરીની ગ્રીલ/રેલિંગ પરથી નીચે પટકાયું હતું.

ગેલેરીમાં રમતાં રમતાં સર્જાઈ કાળજું કંપાવી દેતી દુર્ઘટના

ચોથા માળેથી પટકાતાં જ જોરદાર અવાજ સાથે બાળક નીચે પડતાં આસપાસના લોકો અને પરિવારજનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા માસૂમ બાળકને તુરંત જ નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું.

દ્રશ્યો જોયા તે સૌકોઈ ચોંકી ઉઠ્યા 

પરંતુ ચોથા માળેથી પટકાવાને કારણે થયેલી ગંભીર ઈજાઓના પરિણામે બાળકે સારવાર દરમિયાન જ પોતાનો અંતિમ શ્વાસ લીધો હતો.આ સમગ્ર દુર્ઘટના સોસાયટીમાં મુકાયેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ હતી. કાળજું કંપાવી દેનારા આ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જેણે પણ આ દ્રશ્યો જોયા તે સૌકોઈ ચોંકી ઉઠ્યા હતા અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો: Dahegam: ધોળા દિવસે 40 વર્ષીય ભરત ઠાકોરનું અલ્ટો કારમાં અપહરણ, પોલીસે રાત્રે જ 4 આરોપીઓને દબોચ્યા