સુરતના અમરોલી વિસ્તારમાંથી વાલીઓ માટે ચેતવણી સમાન સમાચાર સામે આવ્યા છે. અમરોલીની હરિદર્શન સોસાયટીમાં બનેલી આ ઘટનામાં ઘરની અંદર રમતા-રમતા 2 વર્ષની માસૂમ બાળકી અચાનક એક રૂમમાં ફસાઈ ગઈ હતી. રમતી વખતે અંદરથી અચાનક દરવાજો લોક થઈ જવાથી નાની બાળકી આરુ અંદર એકાંતમાં પૂરાઈ ગઈ હતી. અચાનક બનેલી આ ઘટનાથી નાની બાળકી ભારે ગભરાઈ ગઈ હતી અને જોરજોરથી રડવા લાગી હતી, જેના કારણે પરિવારજનોની ચિંતા ચરમસીમાએ પહોંચી ગઈ હતી.
પરિવારની ભારે મથામણ છતાં લોક ન ખૂલતા ફાયર બ્રિગેડને જાણ
ઘરના સભ્યોએ અંદર ફસાયેલી માસૂમને બહાર કાઢવા માટે દરવાજો ખોલવાની ભારે જહેમત અને મથામણ કરી હતી, પરંતુ દરવાજાનું લોક કોઈપણ રીતે ખુલી શક્યું ન હતું. બીજી તરફ રૂમની અંદર માસૂમ બાળકી સતત ડરના માર્યા રડી રહી હતી, જેને જોઈને પરિવારજનો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને પારખીને પરિવારે સમય બગાડ્યા વગર તુરંત જ ફાયર બ્રિગેડને કૉલ કરીને મદદ માંગી હતી.
