સુરત મહાનગરપાલિકા કરોડો રૂપિયાના ખર્ચે હાઇટેક વોટર ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક ઊભું કરવાનો દાવો કરે છે, પરંતુ અમરોલીની વર્ધમાન સોસાયટી પાસે બનેલી ઘટનાએ પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી અને મેઇન્ટેનન્સની પોલ ખોલી નાખી છે. આજે વહેલી સવારે જ્યારે વોટર વર્ક્સમાંથી સોસાયટીઓમાં પાણી સપ્લાય લાઇન શરૂ કરવામાં આવી, ત્યારે અચાનક મુખ્ય અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન મોટા ધડાકા સાથે ફાટી ગઈ હતી.

રસ્તા પર ઉડ્યા ફુવારા, તંત્રના પેટનું પાણી ન હલ્યું

લાઇનમાં પ્રેશર એટલું વધારે હતું કે રોડનું ખોદકામ તોડીને પાણીના ઊંચા-ઊંચા તોતિંગ ફુવારા હવામાં ઉડવા લાગ્યા હતા. રસ્તા પરથી પસાર થતા ટુ-વ્હીલર ચાલકો આ ફુવારાના કારણે સ્લિપ થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતા જોઈને સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક એસએમસી (SMC) ના ઝોનલ ઓફિસના કંટ્રોલ રૂમમાં ફોન કરીને વાલ્વ બંધ કરવા વિનંતી કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે, કલાકો વીતી જવા છતાં અને લાખો લીટર પાણી ગટરમાં વહી જવા છતાં પાલિકાનો એક પણ હાઇડ્રોલિક વાલ્વમેન કે લાઇનમેન રીપેરિંગ તો દૂર, પાણી બંધ કરવા પણ ડોકાયો નહોતો.

લોકોના ઘરોમાં પાણીની તંગી સર્જાશે

આ પાઇપલાઇન ભંગાણના કારણે જે પાણી સોસાયટીના હજારો પરિવારોના ઘરોમાં કનેક્શન સુધી પહોંચવાનું હતું, તે રસ્તા પર વહી ગયું છે. જેના કારણે આગામી સમયમાં અમરોલીના આ પંથકમાં લો-પ્રેશર અથવા પાણી કાપની મોટી સમસ્યા સર્જાશે. સ્થાનિક રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી ગણતરીના કલાકોમાં આ લાઇનનું યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં નહીં આવે અને જવાબદાર બેદરકાર અધિકારીઓ સામે પગલાં નહીં લેવાય, તો તેઓ ઝોનલ ઓફિસ ખાતે જઈને માટલા ફોડી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે.

આ પણ વાંચો: Rajkot: બોરડી રણુંજા મંદિરના મહંત કરશનદાસ બાપુનો આપઘાત, મંદિર સામેની વાડીના કૂવામાંથી મળ્યો મૃતદેહ