સુરત શહેરમાં ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર આજે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.પુરપાટ ઝડપે આવી રહેલી કાર અને રિક્ષા વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.આ અકસ્માતમાં રિક્ષાચાલકને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.સદનસીબે આ ગંભીર ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.
બ્રિજ પર ગંભીર ટક્કર અને કારની એરબેગ્સ ખુલી ગઈ
અકસ્માતની વિગત મુજબ, ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી પસાર થઈ રહેલી રિક્ષા અને કાર વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે કારની એરબેગ્સ પણ ખુલી ગઈ હતી. આ ભયાનક ધડાકા સાથે થયેલા અકસ્માતને પગલે રિક્ષાનો આગળનો ભાગ સાવ ચકનાચૂર થઈ ગયો હતો. ઘટના બનતા જ આસપાસથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત રિક્ષાચાલકને ત્વરિત બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બ્રિજ પર કલાકો સુધી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા
અકસ્માતની આ ઘટનાને પગલે ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. બ્રિજ પર વાહનવ્યવહાર પૂર્વવત કરાવવા માટે સ્થાનિક લોકો અને પોલીસે ભારે જહમત ઉઠાવવી પડી હતી. આ ઘટનામાં રિક્ષાને મોટું નુકસાન થયું હોવા છતાં મોટી જાનહાનિ ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ઓવરસ્પીડિંગ અને બ્રિજ પર સલામતી સામે સવાલો
સુરતના બ્રિજો પર અવારનવાર સર્જાતા અકસ્માતોને પગલે સ્થાનિક નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રહેણાંક અને સિટી વિસ્તારોને જોડતા આવા મુખ્ય બ્રિજ પર બેફામ વાહન ચલાવતા ચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માગણી ઉઠી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે સ્થળ પર પહોંચીને ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને અકસ્માત અંગે કાનૂની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Ahmedabad News : રાજ્યમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર મુદ્દે તવાઈ, ત્રીજા દિવસે પણ FDCAની સતત તપાસ