સુરત શહેરમાં બીજા ખોડલધામની સ્થાપનાને લઈને લાંબા સમયથી અનેક પ્રકારની અટકળો અને ચર્ચાઓ ચાલી રહી હતી.ભૂતકાળમાં કાગવડ ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલ દ્વારા પણ સુરતમાં ખોડલધામ સંકુલ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.જેને પગલે સમાજમાં આ વિષય સતત કેન્દ્રસ્થાને રહ્યો હતો.હવે સુરતમાં બીજા ખોડલધામના નિર્માણ અંગે સત્તાવાર જાહેરાત થઈ જતાં તમામ ચર્ચાઓ પર આખરે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. આ મહત્વપૂર્ણ જાહેરાત મોટા વરાછા વિસ્તારમાં આયોજિત કરાયેલા પ્રખ્યાત શેરી ઓટલો નવરાત્રી મહોત્સવના ભવ્ય મંચ પરથી કરવામાં આવી હતી.
શેરી ઓટલો નવરાત્રી મહોત્સવમાં મોટી જાહેરાત
સુરતમાં બનનારું આ નવું ખોડલધામ ‘અન્નપૂર્ણા ખોડલધામ’ તરીકે ઓળખાશે અને તે જ નામથી તેનું નિર્માણ કાર્ય આગળ વધારવામાં આવશે.નવરાત્રિ પર્વના પાવન અવસરે ભક્તિભાવના વાતાવરણમાં આ ઝાંખી રજૂ થતાં કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને આ પ્રોજેક્ટના સ્વરૂપ અંગેની ચિત્ર સ્પષ્ટતા થઈ હતી. અન્નપૂર્ણા ખોડલધામ પ્રોજેક્ટની સત્તાવાર જાહેરાત સાથે જ આ ભગીરથ કાર્ય પાછળ રહેલા બે મુખ્ય ચહેરાઓ પણ હવે સ્પષ્ટપણે લોકોની સામે આવી ગયા છે.આ ગરબા મહોત્સવ દરમિયાન જાહેર કરાયેલી વિગતો અનુસાર, પાટીદાર સમાજના જાણીતા અગ્રણી મુકેશ પટેલ અન્નપૂર્ણા ખોડલધામ બનાવશે.
