દિવાળી વેકેશનમાં સુરતીઓએ દેશ-વિદેશમાં ફરવા જવાના આયોજનો કર્યા છે.જોકે,જે લોકો કોઈ કારણોસર બહારગામ જવાના નથી અને સુરતમાં જ રહીને રજાઓ માણવા માગે છે,તેમના માટે શહેર અને દક્ષિણ ગુજરાતનાં વિવિધ પ્રવાસન સ્થળો વિકલ્પ બની શકે છે.પરંતુ પાલ વિસ્તારમાં આવેલું સુરત મહાનગરપાલિકાનું એક્વેરિયમ છેલ્લા દોઢ વર્ષથી બંધ હોવાથી શહેરીજનો માટે ફરવા લાયક એક આકર્ષક સ્થળનો વિકલ્પ ઘટી ગયો છે.ખાસ કરીને બાળકો અને પરિવાર સાથે ફરવા જવા ઈચ્છતા લોકો આ વેકેશનમાં પણ એક્વેરિયમમાં વિવિધ પ્રકારની માછલીઓ અને દરિયાઈ જીવો નિહાળી શકશે નહીં.

એક્વેરિયમમાં મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ યથાવત

ખાણી-પીણી અને હરવા-ફરવાના શોખીન સુરતીઓ વેકેશન શરૂ થતાં જ અગાઉથી કરેલા આયોજન મુજબ પ્રવાસે નીકળી પડશે.જ્યારે સુરતમાં જ રોકાનારા લોકો માટે ડુમસ સીફેસ,નેચર પાર્ક સહિતનાં સ્થળો વિકલ્પરૂપે ઉપલબ્ધ છે.જોકે,પાછલાં વર્ષોની જેમ આ વખતે પાલ સ્થિત એક્વેરિયમની મુલાકાત લેવાનું શક્ય બનશે નહીં.સુરત મહાનગરપાલિકા દ્વારા અંદાજે રૂ.17 કરોડના ખર્ચે પાલ વિસ્તારમાં આ એક્વેરિયમનું નિર્માણ કરવામાં આવ્યું હતું.જોકે,આશરે દોઢ વર્ષ પહેલાં બિલ્ડિંગનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવતાં સલામતીના કારણોસર જાહેર જનતા માટે તેને બંધ કરી દેવામાં આવ્યું હતું.ત્યારથી આજદિન સુધી એક્વેરિયમમાં મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ યથાવત છે. 

એક્વેરિયમ બંધ હોવાથી આ આવક પણ અટકી ગઈ

આ સમગ્ર મામલે આશ્ચર્યજનક બાબત એ છે કે,એક્વેરિયમ લોકો માટે બંધ હોવા છતાં તેની અંદર રહેલી માછલીઓ અને અન્ય જળચર જીવોની જાળવણી પાછળ પાલિકા દર વર્ષે રૂ.1.7 કરોડનો ખર્ચ કરી રહી છે.જ્યારે એક્વેરિયમ લોકો માટે ખુલ્લું હતું ત્યારે મનપાને વાર્ષિક અંદાજે રૂ.1.75 કરોડથી રૂ.2 કરોડ સુધીની આવક થતી હતી.હાલ એક્વેરિયમ બંધ હોવાથી આ આવક પણ અટકી ગઈ છે.જ્યારે તેની જાળવણીનો ખર્ચ સતત ચાલુ છે.એક્વેરિયમના બિલ્ડિંગનું સમારકામ કરવું કે પછી નવેસરથી નિર્માણ કરવું તે અંગે હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી.પરિણામે એક તરફ પાલિકાને કરોડો રૂપિયાના ખર્ચ છતાં આવક ગુમાવવી પડી રહી છે, તો બીજી તરફ સુરતીઓને પરિવાર સાથે સમય વિતાવી શકાય તેવા એક લોકપ્રિય પ્રવાસન સ્થળથી વંચિત રહેવું પડી રહ્યું છે.દિવાળી વેકેશનમાં પણ એક્વેરિયમ શરૂ થવાની કોઈ શક્યતા ન હોવાથી આ વખતે પણ શહેરીજનોને નિરાશ થવું પડશે.

આ પણ વાંચોઃ Rajkot News: PSIનો પુત્ર છું રોડ પર ફટાકડા કેમ ફોડો છો કહી મહિલા વેપારીને ધમકાવ્યા, પથ્થરમારો કર્યો