સુરતમાં ગુનેગારો જાણે કાયદાથી સાવ બેખૌફ બન્યા હોય તેમ નજીવી અને સામાન્ય બાબતોમાં જાહેરમાં લોહિયાળ ખેલ ખેલાઈ રહ્યા છે. સુરતના અતિ વ્યસ્ત ગણાતા અશ્વની કુમાર રોડ પર મોડી રાત્રિના સુમારે વાહન અથડાવા જેવી સામાન્ય બોલાચાલીએ ક્ષણવારમાં ભયાનક ખૂની સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અકસ્માત સર્જાતાં ઉશ્કેરાયેલા અજાણ્યા શખ્સોએ રાજેશ નામના યુવક પર ઘાતક હથિયાર વડે તૂટી પડી ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે લોહીલુહાણ થયેલા રાજેશનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને ભયનો માહોલ ફેલાઈ ગયો છે.સૌથી ચિંતાજનક બાબત એ છે કે સુરત શહેરમાં છેલ્લા માત્ર 2 દિવસના ટૂંકા ગાળામાં હત્યાનો આ ત્રીજો બનાવ સામે આવતાં સ્થાનિક નાગરિકોમાં સુરક્ષાને લઈને ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
મોડી રાત્રે વાહન અથડાયું ને ચપ્પુના ઘા ઝીંકી દીધા
પ્રાપ્ત વિગતો મુજબ, અશ્વની કુમાર વિસ્તારમાં મોડી રાત્રે વાહનો સામસામે અથડાવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો એટલી હદે બિચક્યો કે સામેના પક્ષના અસામાજિક તત્વોએ આવેશમાં આવી તીક્ષ્ણ ચપ્પુ કાઢી રાજેશ નામના યુવક પર ઉપરાઉપરી હુમલો કરી દીધો હતો.પ્રાથમિક તપાસ અને સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હત્યાને અંજામ આપનારા શખ્સો નજીકના અમરોલી વિસ્તારના હોવાનું અનુમાન છે. હુમલો કર્યા બાદ હત્યારાઓ અંધારાનો લાભ લઈને તાત્કાલિક ફરાર થઈ ગયા હતા.બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજની ચકાસણી હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી નાકાબંધી તેજ કરી છે.
