દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ ફરી એકવાર અત્યંત ચિંતાજનક અને ભયાનક સ્તરે પહોંચી ગઈ છે. વિવેક વિહારથી લઈને દ્વારકા સુધી રાજધાનીના 27થી વધુ મુખ્ય વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 300નો આંક વટાવી ચૂક્યો છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) ના ધોરણો મુજબ હવા 'ખૂબ જ ખરાબ' (Very Poor) શ્રેણીમાં પહોંચી જતાં તંત્ર દ્વારા પ્રદૂષણનું રેડ એલર્ટ જેવી સ્થિતિ જાહેર કરાઈ છે. સમગ્ર શહેરમાં ઝેરી સ્મોગની ચાદર છવાઈ જતાં નાગરિકોને શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં તીવ્ર બળતરા અને ગળામાં દુખાવા જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
દિલ્હીના જુદા જુદા વિસ્તારોમાં નોંધાયેલા ચોંકાવનારા આંકડા
ચાંદની ચોકમાં સૌથી વધુ 377 AQI નોંધાયો છે. આ ઉપરાંત IIT દિલ્હી 376, ઉત્તર કેમ્પસ 371, DTU 368, બુરારી ક્રોસિંગ 359, IITM પુસા 358 અને NSIT દ્વારકામાં 353 AQI નોંધાયો છે.જેએનયુ 339, કોમનવેલ્થ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 337, આયા નગર 337, તાલકટોરા ગાર્ડન 331, વિવેક વિહાર 324, સિરીફોર્ટ 322, જહાંગીરપુરી 317, નેહરુ નગર 314, બાદરપુર 312, મુંડકા 306, આનંદ વિહાર 303, આરકે પુરમ 301 અને બાવાના 301 પર પહોંચ્યું છે.દ્વારકા સેક્ટર-8 (296), અશોક વિહાર (295), રોહિણી (295), IGI એરપોર્ટ ટર્મિનલ-3 (288), વસુંધરા એન્ક્લેવ (229), કરાલા (216), લોધી રોડ (210) અને શ્રી અરવિંદો માર્ગ પર 208 AQI રહ્યો છે.
દિલ્હી કેન્ટમાં સૌથી રાહતજનક 119 AQI નોંધાયો
ભારતમાં એર ક્વોલિટી ઈન્ડેક્સને 6 કેટેગરીમાં વહેંચવામાં આવ્યો છે
0-50: સારું (Good)
51-100: સંતોષકારક (Satisfactory)
101-200: મધ્યમ (Moderate)
201-300: નબળું (Poor)
301-400: ખૂબ નબળું / ખૂબ ખરાબ (Very Poor)
401-500: ગંભીર (Severe)
હાલ દિલ્હીની હવા 301 થી 400 ની કેટેગરીમાં હોવાથી લાંબા સમય સુધી આ હવામાં શ્વાસ લેવાથી સ્વસ્થ લોકોને પણ ફેફસાં અને શ્વસનતંત્રની બીમારી થઈ શકે છે. ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો તેમજ અસ્થમા અને હૃદયરોગના દર્દીઓ માટે હાલની હવા અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે, જેથી તબીબોએ બિનજરૂરી રીતે બહાર ન નીકળવા અને માસ્કનો ઉપયોગ કરવાની કડક સલાહ આપી છે.
આ પણ વાંચો: World: શેખ હસીના સામે કાનૂની સંકટ ઘેરાયું; ICT ચીફ પ્રોસિક્યુટરે કહ્યું- હવે ફાંસીની સજા ભોગવવા સિવાય કોઈ વિકલ્પ નથી