બાંગ્લાદેશમાં ઓગસ્ટ ૨૦૨૪ના વિદ્યાર્થી આંદોલન બાદ સત્તા ગુમાવીને ભારતમાં આશરો લઈ રહેલા પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલ (ICT) ના મુખ્ય અભિયોજક (ચીફ પ્રોસિક્યુટર) મોહમ્મદ અમીનુલ ઇસ્લામે અત્યંત આકરું વલણ અપનાવતા જણાવ્યું છે કે, શેખ હસીના પાસે હવે ટ્રિબ્યુનલ દ્વારા ફટકારવામાં આવેલી મૃત્યુદંડ (ફાંસી) ની સજાનો સામનો કરવા સિવાય કોઈ કાનૂની વિકલ્પ શેષ રહ્યો નથી. આ સાથે જ તેમણે શેખ હસીનાને નવો પાસપોર્ટ કે અન્ય કોઈપણ ટ્રાવેલ ડોક્યુમેન્ટ આપવાની શક્યતાઓને સદંતર ફગાવી દીધી છે.

મુખ્ય અભિયોજકના આકરા પ્રહારો

ટ્રિબ્યુનલના મુખ્ય અભિયોજક મોહમ્મદ અમીનુલ ઇસ્લામે કાનૂની પાસાઓની સ્પષ્ટતા કરતાં જણાવ્યું "જો શેખ હસીના ખરેખર કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવા માગતા હોત, તો તેમણે સુનાવણી સમયે જ દેશમાં હાજર રહેવું જોઈતું હતું અથવા તો ચુકાદાના ૩૦ દિવસની નિર્ધારિત સમયમર્યાદામાં અપીલ દાખલ કરવા પરત ફરવું જોઈતું હતું." બાંગ્લાદેશ પાસપોર્ટ ઓર્ડર 1973 ના નિયમો ટાંકીને તેમણે સ્પષ્ટ કર્યું કે ગંભીર ગુનાઓ અને નૈતિક અધઃપતન હેઠળ સજા પામેલી વ્યક્તિને મુસાફરી દસ્તાવેજ જારી કરવાની કાયદામાં કોઈ જોગવાઈ નથી. જો તેઓ ખરેખર સ્વદેશ પાછા ફરવા ઉત્સુક હોય, તો તેમણે લૉ ફર્મ દ્વારા નાટકો કરવાને બદલે ભારત-બાંગ્લાદેશ પ્રત્યાર્પણ સંધિ હેઠળ ભારત સરકાર સમક્ષ સત્તાવાર અરજી કરવી જોઈએ.

પાસપોર્ટ અરજીની અફવા અને સરકારનો ખુલાસો

લંડનની લૉ ફર્મ મારફતે નવી દિલ્હી સ્થિત હાઈકમિશનમાં પાસપોર્ટ માટે અરજી કરાઈ હોવાના અહેવાલો અંગે સરકારે સ્થિતિ સ્પષ્ટ કરીબાંગ્લાદેશના માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ જાહેદ ઉરમાન રહેને સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે હસીનાએ પોતે કોઈ અરજી સબમિટ કરી નથી. લંડનની એક લૉ ફર્મે માત્ર પત્ર વ્યવહાર કર્યો હતો. કાયદા મુજબ પાસપોર્ટ કે રાષ્ટ્રીય ઓળખપત્ર માટે સંબંધિત વ્યક્તિએ રૂબરૂ ઉપસ્થિત રહીને બાયોમેટ્રિક્સ અને સહી સાથે સત્તાવાર પ્રક્રિયા કરવી પડે છે, જેથી આ પત્રને કાયદેસરની અરજી ગણી શકાય નહીં.

આ પણ વાંચો: 11 November 2026 Important News: દેશમાં ભાઈબીજની ઉજવણી, દિલ્હીમાં કૃષિ મહાસંમેલન, વડાપ્રધાન મોદી કરશે સંબોધન