સંસ્કાર અને સંસ્કૃતિની ઓળખ સમા પવિત્ર નવરાત્રિ પર્વને ક્લબ કલ્ચર અને પશ્ચિમી ઢબે વટાવી ખાવાનો વધુ એક શરમજનક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. શહેરના પોશ ગણાતા ડુમસ રોડ પર સ્થિત પ્રતિષ્ઠિત ‘અવધ યુટોપિયા’ ક્લબમાં પરંપરાગત ગરબાના નામે આયોજિત કાર્યક્રમમાં માતાજીની આરાધનાને બાજુ પર મૂકી બોલિવૂડના દ્વિઅર્થી અને અશ્લીલ ગીતોના તાલે યુવાધનને ડિસ્કો ડાન્સ કરાવવામાં આવી રહ્યો હોવાનો પર્દાફાશ થયો છે. આ શરમજનક દ્રશ્યોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. બજરંગ દળના કાર્યકરોએ ઘટનાસ્થળે ધસી જઈને કાનફાડુ અવાજે ચાલતું ડીજે તાત્કાલિક બંધ કરાવી ક્લબ પરિસરમાં જોરદાર હંગામો મચાવ્યો હતો.

માતાજીની આસ્થાની મજાક

નવરાત્રિના પાવન દિવસોમાં જ્યાં ભક્તિ અને શક્તિની સાધના થવી જોઈએ, ત્યાં ડુમસ રોડની ‘અવધ યુટોપિયા’ ક્લબમાં મોડી રાત્રે ક્લબ પાર્ટી જેવો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો.માતાજીના પ્રાચીન કે અર્વાચીન ગરબા વગાડવાના બદલે કાન ફાડી નાખે તેવા ડીજે સાઉન્ડ પર બોલિવૂડના બિભત્સ, દ્વિઅર્થી અને અસભ્ય ગીતો વગાડી યુવક-યુવતીઓને અશ્લીલ ઠુમકા લગાવવા મજબૂર કરાયા હતા.ક્લબની અંદર ચાલી રહેલા આ નગ્ન નાચના વીડિયો બહાર આવતાં જ સોશિયલ મીડિયા પર નાગરિકોએ હિન્દુ સંસ્કૃતિનું અપમાન ગણાવી આયોજકો સામે ફિટકાર વરસાવી હતી.

બજરંગ દળનો જબરદસ્ત હલ્લો

વીડિયો સામે આવતાં જ હિન્દુ સંગઠન એક્શન મોડમાં આવ્યું હતું.બજરંગ દળના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થઈને સીધા ‘અવધ યુટોપિયા’ ક્લબ પરિસરમાં ધસી ગયા હતા.કાર્યકરોએ સ્થળ પર પહોંચીને અસભ્ય ગીતો વગાડતાં ડીજે સિસ્ટમને તાત્કાલિક અસરથી બંધ કરાવી દીધી હતી અને જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા.કાર્યકરોએ ક્લબના આયોજકો અને સંચાલકોનો ઘેરાવ કરીને ઉધડો લીધો હતો કે, "ધર્મના નામે આ પ્રકારની અશ્લીલતા અને સંસ્કૃતિનું હનન ચલાવી લેવાશે નહીં."

વિરોધ સામે આયોજકો બેકફૂટ પર

સંગઠનના આક્રમક વલણ સામે આયોજકોના હોશ ઊડી ગયા હતા.પરિસ્થિતિ વધુ વણસે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જોખમાય તે પહેલાં ક્લબ સંચાલકો સંપૂર્ણપણે બેકફૂટ પર આવી ગયા હતા.આયોજકોએ પોતાની ભૂલ જાહેરમાં સ્વીકારી હતી અને વિરોધ કરી રહેલા કાર્યકરો સમક્ષ માફી માંગી હતી.સંચાલકોએ ખાતરી અને બાહેંધરી આપી હતી કે હવે પછી આવા અશ્લીલ કે બોલિવૂડ ગીતો વગાડવામાં નહીં આવે અને માત્ર ગરિમાપૂર્ણ તથા પરંપરાગત ગરબા જ રમાડવામાં આવશે.

આ પણ વાંચો: Surat: દુબઈથી ફ્લાઈટમાં લાવવામાં આવેલું 68 લાખનું 480 ગ્રામ સોનું ઝડપાયું, એક મુસાફરની ધરપકડ