સુરત શહેરના બમરોલી વિસ્તારમાંથી આગની એક મોટી ઘટના સામે આવી છે. બમરોલીમાં આવેલા ડુંડી ગામ નજીક એક ખુલ્લા પ્લોટમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો કચરો પડેલો હતો, જેમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. પ્લાસ્ટિક જ્વલનશીલ પદાર્થ હોવાથી આગે ક્ષણભરમાં જ અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના કારણે આકાશમાં દૂર-દૂર સુધી કાળા ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા, જેને જોઈને આસપાસના રહીશોમાં ભારે ગભરાટ અને અફરાતફરી મચી ગઈ હતી.
ચાર ફાયર સ્ટેશનની ગાડીઓ દ્વારા પાણીનો મારો
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ત્વરિત પગલાં રૂપે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા જ સુરતના ચાર અલગ-અલગ ફાયર સ્ટેશનમાંથી ચારથી વધુ ફાયર ગાડિઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવા માટે યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. જમા થયેલા પ્લાસ્ટિક વેસ્ટના જથ્થાને કારણે આગને કાબુમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

