સુરત જિલ્લામાં ખનન માફિયાઓ સામે ભૂસ્તર વિભાગે આક્રમક રૂખ અપનાવ્યો છે. સુરતના ચોર્યાસી તાલુકા અંતર્ગત આવતા ભાઠા ગામની સીમમાંથી વહેતી તાપી નદીમાં લાંબા સમયથી બેફામપણે ગેરકાયદે રેતી ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હતું. આ બાતમીના આધારે ભૂસ્તર વિભાગની ટીમે તાપી નદીના પટમાં અચાનક સપાટો બોલાવતા ખનન માફિયાઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. તંત્રની આ ત્વરિત કાર્યવાહીથી ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
હિટાચી મશીન, નાવડીઓ અને મોટો રેતીનો જથ્થો જપ્ત
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાઠા ગામ નજીક તાપી નદીમાંથી મશીનો અને હોડીઓની મદદથી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરવામાં આવી રહ્યું હતું. ભૂસ્તર વિભાગની ટીમે સ્થળ પર જઈને તપાસ કરતાં કરોડો રૂપિયાની કિંમતનું ખનન સાહિત્ય હાથ લાગ્યું હતું. રેતી ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાતા હાઈ-ટેક હિટાચી મશીનો, રેતી ભરેલી નાવડીઓ તેમજ મોટા પ્રમાણમાં સંગ્રહિત કરેલો રેતીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહીથી ખનન માફિયાઓને મોટો આર્થિક ફટકો પડ્યો છે.


