ડાયમંડ સિટી સુરતમાં ચોમાસાની શરૂઆત થતાંની સાથે જ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કરોડો રૂપિયાની પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે. તંત્ર દ્વારા ચોમાસા પહેલા હજારો દાવાઓ કરવામાં આવ્યા હતા, પરંતુ સામાન્ય વરસાદ પડતાં જ શહેરના રોડ-રસ્તાઓની વાસ્તવિકતા સામે આવી ગઈ છે અને સત્તાધીશોની કામગીરી પર મોટા સવાલો ઉભા થયા છે.

ભટાર ચાર રસ્તા પર મુખ્ય માર્ગ વચ્ચે પડ્યો મસમોટો ભુવો

સુરતના અત્યંત વ્યસ્ત અને ધમધમતા ગણાતા ભટાર ચાર રસ્તા પાસેના મુખ્ય માર્ગ પર અચાનક રોડ બેસી જવાની ઘટના સામે આવી છે. વરસાદી માહોલ વચ્ચે આ મુખ્ય માર્ગની વચોવચ એક મસમોટો ભુવો પડી ગયો છે. ધોધમાર વરસાદ વરસી ગયા બાદ રસ્તો અચાનક બેસી જતાં આ વિસ્તારમાંથી પસાર થતાં લોકો આશ્ચર્ય અને ભયમાં મુકાયા છે.

અચાનક ભુવો પડતાં વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા

ભટાર ચાર રસ્તા પરથી રોજના હજારો વાહનો પસાર થાય છે, તેવામાં અચાનક પડેલા આ ભુવાના કારણે વાહનચાલકો માટે મોટું જોખમ ઊભું થયું છે. ખાસ કરીને રાત્રિના સમયે કે ચાલુ વરસાદમાં જો કોઈ વાહનચાલકનું ધ્યાન ન જાય, તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. માર્ગ બેસી જવાથી સર્જાયેલી આ જોખમી સ્થિતિને કારણે સ્થાનિકોએ અકસ્માત નિવારવા માટે હાલ ભુવાની આસપાસ આડશ ઉભી કરવાની ફરજ પડી છે.

Surat News Surat Bhatar Road Sinkhole SMC Pre-Monsoon Work Exposed After Rain (3)

સુરતીઓના ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં ગયા, જનતામાં ભારે રોષ

હજુ તો ચોમાસાની જમાવટ બરાબર થઈ પણ નથી, ત્યાં સામાન્ય વરસાદમાં જ રસ્તાની આવી દુર્દશા થતાં સુરતના નાગરિકોમાં મનપાના વહીવટ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, પ્રી-મોન્સૂન કામગીરીના નામે સુરતીઓના ટેક્સના જે કરોડો રૂપિયા વાપરવામાં આવ્યા, તેનું આયોજન ક્યાં ગયું? આ નબળી ગુણવત્તાના કામના કારણે જનતાના પૈસાનો સરેઆમ વેડફાટ થયો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.

Surat News Surat Bhatar Road Sinkhole SMC Pre-Monsoon Work Exposed After Rain (2)

કોન્ટ્રાક્ટરો અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાંની માગ

આ ઘટના બાદ સ્થાનિક રહીશો અને વાહનચાલકો દ્વારા સુરત મનપા તંત્ર સમક્ષ ભુવાનું તાત્કાલિક રીપેરિંગ કામ કરવાની માગ કરવામાં આવી છે. આ સાથે જ, હલકી ગુણવત્તાનું કામ કરનાર કોન્ટ્રાક્ટર અને મોનિટરિંગમાં બેદરકારી રાખનાર જવાબદાર એન્જિનિયરો તેમજ અધિકારીઓ સામે તપાસ કરીને કડક દંડાત્મક પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉગ્ર બની છે.


આ પણ વાંચો - Gujarat Weather Update: 5 સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં સાર્વત્રિક અને અતિભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ?