ડાયમંડ સિટી સુરતના ભટાર વિસ્તારમાં નજીવી બાબતો અને અંગત અદાવતમાં કાયદો હાથમાં લઈ હત્યા કરવાના બનાવો વચ્ચે વધુ એક અત્યંત સનસનાટીપૂર્ણ અને ઘાતકી હત્યાનો બનાવ સામે આવ્યો છે. અહીં રહેતા 18 વર્ષીય આશાસ્પદ યુવાન સંતોષ મોરે ઉર્ફે સન્ની પર પાંચ જેટલા માથાભારે શખ્સોએ એકસંપ થઈ જીવલેણ હુમલો કર્યો હતો. છરીના ઉપરાઉપરી ઘા અને લાકડાના દંડા વડે કરાયેલા નિર્દયી હુમલામાં ગંભીર ઈજાઓ થતાં સન્નીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ખટોદરા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હત્યા તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી હત્યામાં સામેલ મુખ્ય સૂત્રધાર સહિત તમામ પાંચેય આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે.
પ્રેમસંબંધની અદાવતમાં તૂટી પડ્યા
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, મુખ્ય આરોપી સાહિલ સકીલ શેખની ભાણી સાથે મૃતક સંતોષ ઉર્ફે સન્નીને પ્રેમસંબંધ હતો. આ બાબતની દાઝ રાખી સાહિલ અને તેના સાગરીતો સન્ની સાથે અવારનવાર વિવાદ કરતા હતા.ભટાર વિસ્તારમાં બંને પક્ષો વચ્ચે ફરી આ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ ઉશ્કેરાયેલા સાહિલ અને તેની સાથે રહેલા ચાર શખ્સોએ એકસંપ થઈ સન્ની પર લાકડાના દંડા અને તીક્ષ્ણ છરી વડે હુમલો કર્યો હતો. આરોપીઓએ સન્નીને છાતી તેમજ શરીરના વિવિધ ભાગોમાં જીવલેણ ઘા ઝીંકી દેતાં તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો અને ગંભીર ઈજાઓને કારણે તેનું પ્રાણપંખેરુ ઊડી ગયું હતું.
