સુરતના ભેસ્તાનમાં કરાટે ટ્રેનરના વાયરલ વીડિયોથી ભારે વિવાદ સર્જાયો છે. સોશિયલ મીડિયા પર સગીર બાળકીના સ્ટ્રેચિંગના વીડિયો પર આવેલી અશ્લીલ કોમેન્ટ્સને ડિલીટ કરવાને બદલે ઈમોજીથી રિપ્લાય આપનાર કરાટે ટ્રેનર મોહમ્મદ શાહબુદ્દીન શરીફ અહમદ અન્સારીની ભેસ્તાન પોલીસે અટકાયત કરી છે. આ ઘટનાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે.
શું છે સમગ્ર વિવાદ? અશ્લીલ કોમેન્ટ્સ પર ઈમોજીથી આપ્યા જવાબ
પ્રાપ્ત વિગતો અનુસાર, ભેસ્તાન વિસ્તારના કરાટે ટ્રેનર મોહમ્મદ શાહબુદ્દીને સોશિયલ મીડિયા પર સગીર બાળકીનો સ્ટ્રેચિંગ કરતો વીડિયો અપલોડ કર્યો હતો.આ વીડિયો પર કેટલાક અસામાજિક તત્વોએ અત્યંત અશ્લીલ કોમેન્ટ્સ કરી હતી.કોમેન્ટ્સ ડિલીટ કરવાને બદલે ટ્રેનરે ઈમોજીથી રિપ્લાય આપતાં સોશિયલ મીડિયા યુઝર્સ અને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને ટ્રેનર સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી હતી.
પરિવારે ફરિયાદ ન કરી છતાં પોલીસે લીધા અટકાયતી પગલાં
મામલો ગરમાતા ભેસ્તાન પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.પોલીસે સગીર બાળકી અને તેના પરિવારને બોલાવી પૂછપરછ કરી હતી અને મહિલા પોલીસની હાજરીમાં બાળકીનું નિવેદન લેવાયું હતું.બાળકી અને પરિવારે કોઈપણ પ્રકારની છેડતી કે હેરાનગતિ થઈ ન હોવાનું જણાવી પોલીસ ફરિયાદ કરવાનો ઇનકાર કર્યો હતો.જોકે, ભેસ્તાન પોલીસ મથકના PI એસ.બી. દેસાઈએ જણાવ્યું હતું કે, પરિવાર ફરિયાદ ન કરે તો પણ ટ્રેનર સામે અટકાયતી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જે અંતર્ગત પોલીસે આરોપીની અટકાયત કરી છે.
VHP અને બજરંગ દળનું સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન
આ સમગ્ર મામલે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સંગઠનના કાર્યકરોએ આરોપી ટ્રેનર સામે કડકમાં કડક કાર્યવાહી કરવા અને તેને સખતમાં સખત સજા મળે તે પ્રકારે રજૂઆત કરી છે.
આ પણ વાંચો: Ahmedabad: યુપી વિધાનસભા ચૂંટણી માટે ગુજરાત ભાજપના 10 નેતાઓને મોટી જવાબદારી, સંગઠન મજબૂત કરવા મેદાનમાં ઉતાર્યા