સુરત શહેરમાં નશાના કારોબાર સામે SOG પોલીસે લાલ આંખ કરી છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને મોટા પ્રમાણમાં પ્રતિબંધિત નશીલા પદાર્થ (ગાંજા) ની હેરાફેરી અને વેચાણનો પર્દાફાશ કર્યો છે. SOG પોલીસે રોહિત કાંબળે નામના શખ્સને ઝડપી પાડી તેની પાસેથી મસમોટો જથ્થો કબજે કર્યો છે.

રૂપિયા 70.19 લાખથી વધુની કિંમતનો 140 કિલો ગાંજો જપ્ત

સુરત પોલીસ તપાસ દરમિયાન આરોપીના ઘરમાંથી ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસે સ્થળ પરથી કુલ 140.390 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત રૂપિયા 70,19,500 આંકવામાં આવી છે. આટલી મોટી માત્રામાં ગાંજો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

શોર્ટકટથી પૈસા કમાવવાની લાલચે ચલાવતો નેટવર્ક

પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે, પકડાયેલો આરોપી રોહિત કાંબળે શોર્ટકટમાં ટૂંક સમયમાં વધારે નાણાં કમાવવાની લાલચમાં આ ગેરકાયદે ધંધામાં ઉતર્યો હતો. તે અન્ય વોન્ટેડ આરોપીઓ સાથે મળીને પોતાના ઘરમાં ગાંજો સંતાડી રાખતો અને ત્યારબાદ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોમાં છૂટક વેચાણ કરતો હતો.


NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી અન્ય આરોપીઓની શોધખોળ

સુરત SOG પોલીસે આરોપી વિરુદ્ધ કાયદો અને વ્યવસ્થાના કડક પાલન માટે NDPS એક્ટ (નારકોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ) હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ડ્રગ્સ નેટવર્કમાં તેની સાથે સંડોવાયેલા અન્ય વોન્ટેડ આરોપીઓની પણ સંડોવણી બહાર આવી છે, જેમને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો: Surat News: બોલિવૂડના સંગીતકાર ઇસ્માઇલ દરબારની માતાના મૃત્યુ કેસમાં ડોક્ટરને 2 વર્ષની સજા