બોલિવૂડના જાણીતા સંગીતકાર ઇસ્માઇલ દરબારના 70 વર્ષીય માતા જૈતુનબીબીના સારવાર દરમિયાન થયેલા મોતના કેસમાં સુરત કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. તબીબી બેદરકારી બદલ અદાલતે ડો.પરેશ ભજીયાવાલાને બે વર્ષની સજા ફટકારી છે.જોકેતેમના જામીન મંજૂર કર્યા છે.આ કેસમાં 17 વર્ષ લાંબી કાનૂની લડત બાદ ડોક્ટર કસૂરવાર ઠર્યા છે.આ ઘટના જાન્યુઆરી 2009માં સુરત ખાતે આવેલી ગિરીશ ગ્રુપ ઓફ હોસ્પિટલમાં બની હતી.
18 વર્ષ જૂના કેસમાં સુરત કોર્ટે ફટકારી સજા
સંગીતકાર ઇસ્માઇલ દરબારના માતા જૈતુનબીબીને તાવ તેમજ અન્ય બીમારીની ફરિયાદ બાદ આ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.સારવાર દરમિયાન દર્દીને પીઠના ભાગે દુખાવો ઉપડતા હોસ્પિટલના સ્ટાફ દ્વારા રાહત માટે ગરમ પાણીની હીટ બેગ મૂકવામાં આવી હતી.હોસ્પિટલ તંત્ર અને ફરજ પરના તબીબની બેદરકારીના કારણે આ ગરમ પાણીની બેગ આખી રાત દર્દીના શરીર નીચે જ પડી રહી હતી.આખી રાત ગરમ બેગ શરીરના સતત સંપર્કમાં રહેવાથી જૈતુનબીબી પીઠના ભાગે ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમની પીઠમાં મોટું કાણું પડી ગયું હતું.
11 ફેબ્રુઆરી 2009ના રોજ સારવાર દરમિયાન મોત થયું હતું
આ ઇજાના લીધે તેમની રોગપ્રતિકારક શક્તિ અત્યંત ઘટી ગઈ હતી અને તેમની તબિયત સતત લથડતી ગઈ હતી.તેઓ ફરી ક્યારેય પથારીમાંથી ઊભા થઈ શક્યા નહોતા અને આખરે 11 ફેબ્રુઆરી 2009ના રોજ સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું.માતાના અવસાન બાદ સંગીતકાર ઇસ્માઇલ દરબારે હોસ્પિટલ સત્તાધીશોની બેદરકારી સામે ન્યાય માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ સમગ્ર મામલે પોલીસે ડો.પરેશ ભજીયાવાલા અને સ્ટાફ નર્સ ચંચુબેન સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી. ત્યારબાદ અદાલતમાં કેસની નિયમિત ટ્રાયલ શરૂ થઈ હતી.
ડો.પરેશ ભજીયાવાલાને દોષિત ઠેરવી બે વર્ષની સજા ફટકારી
સુનાવણી દરમિયાન નર્સ ચંચુબેનને જામીન મળ્યા હતા પરંતુ તેઓ ચાલુ ટ્રાયલે ફરાર થઈ જતાં તેમને ભાગેડુ જાહેર કરાયા હતા.ફરિયાદ પક્ષના વકીલ કેતન રેશમવાલાએ કોર્ટ સમક્ષ ધારદાર દલીલો રજૂ કરી હતી.આ કેસની તપાસમાં ફરિયાદ પક્ષ તરફથી કુલ 16થી વધુ સાક્ષીઓની જુબાની લેવાઈ હતી. આ મહત્વના સાક્ષીઓમાં ઇસ્માઇલ દરબારના પરિવારજનો,સારવાર કરનાર તમામ તબીબો,અન્ય ડોક્ટરો,પોસ્ટમોર્ટમ કરનાર તબીબ તેમજ ગિરીશભાઈનો સમાવેશ થતો હતો. કોર્ટે ડો.પરેશ ભજીયાવાલાને દોષિત ઠેરવી બે વર્ષની સજા ફટકારી છે.
આ પણ વાંચોઃ Rajkot News : જંગલેશ્વર ડિમોલિશનમાં થયેલા ખર્ચ કાંડમાં 1 અધિકારી સસ્પેન્ડ, બે સામે ખાતાકિય તપાસના આદેશ