સુરતમાં બહુચર્ચિત તુષાર ઘેલાણી આપઘાત કેસ બાદ વધુ એક બિલ્ડરે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતા એક બિલ્ડરે ઘરમાં ઝેરી પીણું પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. ઘણા સમયથી આ બિલ્ડર માનસીક રીતે તણાવમાં હોવાની વિગતો સામે આવી છે.
બિલ્ડર રવિ ચૌધરીએ ઝેરી પીણું ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં જાણીતા બિલ્ડર રવિ ચૌધરીએ ઝેરી પીણું ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક ગંભીર હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં ડોક્ટરોની ટીમ દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે.પ્રાથમિક વિગતો મુજબ, બિલ્ડર રવિ ચૌધરી છેલ્લા કેટલાક સમયથી ભારે આર્થિક દબાણ અને સતત માનસિક ત્રાસથી હેરાન થઈ રહ્યા હતા.
