બસ કે અન્ય કોઈપણ વાહનમાં નાના બાળકો સાથે મુસાફરી કરતી વખતે માતા-પિતાની સહેજ અમથી બેદરકારી કેટલી જીવલેણ સાબિત થઈ શકે છે, તેનો એક અત્યંત ચોંકાવનારો અને રૂંવાડા ઊભા કરી દેતો કિસ્સો સુરત શહેરમાંથી સામે આવ્યો છે. સુરતમાં એક ચાલુ લક્ઝરી બસમાંથી નાનું બાળક અચાનક નીચે પટકાયું હતું. જોકે, બસના ડ્રાઈવરે દાખવેલી અદભુત સતર્કતા અને સમયસૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને માસૂમ બાળકનો જીવ બચી ગયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે, જે દરેક વાલી માટે લાલબત્તી સમાન છે.
ચાલુ બસમાં આગળ આવી ગયું હતું બાળક
લક્ઝરી બસ રોડ પર દોડી રહી હતી તે દરમિયાન અંદર મુસાફરી કરી રહેલું એક નાનું બાળક પરિવારની નજર ચૂકવીને ચાલુ બસમાં આગળના ભાગે આવી ગયું હતું અને અચાનક સંતુલન ગુમાવતાં નીચે પટકાયું હતું. બાળક નીચે પડતાં જ બસના ડ્રાઈવરનું ધ્યાન ગયું હતું. ડ્રાઈવરે સહેજ પણ ગભરાયા વિના ત્વરિત નિર્ણય લઈને બસને તાત્કાલિક રોકી દીધી હતી અને નીચે ઉતરીને તુરંત બાળકને ઊંચકી લીધું હતું.
