સુરતમાં માનવતાને શર્મસાર કરતો એક અત્યંત કાળજું કંપાવી દેનારો બનાવ સામે આવ્યો છે. આપણી સંસ્કૃતિમાં જ્યાં મૂંગા પશુ-પક્ષીઓ અને તરસ્યા માનવીઓ માટે લોકો લાખો રૂપિયાના ખર્ચે પરબો બંધાવતા હોય છે, ત્યાં સુરતના ગીચ અને ઐતિહાસિક ચોક બજાર વિસ્તારમાં એક તરસ્યા માસૂમ બાળકે દુકાન પાસેથી પાણી પીધું તો નિર્દયી દુકાનદારે તેના પર હાથ ઉપાડી જોરદાર લાફો મારી દીધો હતો. આ અમાનવીય ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના રહીશો અને વેપારીઓમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે.
તરસ છીપાવવા ગયેલા બાળક પર અહંકારી દુકાનદાર તૂટી પડ્યો
પ્રાપ્ત વિગતો અનુસાર, ચોક બજાર વિસ્તારમાં બનેલી આ ઘટનામાં એક નાનો માસૂમ બાળક રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન તેને તરસ લાગી હતી.બાળક નજીકમાં આવેલી એક દુકાન પાસે ગયો અને ત્યાં રાખેલા પાણીમાંથી પોતાની તરસ છીપાવવાનો નિર્દોષ પ્રયાસ કર્યો હતો.બાળકને પાણી પીતો જોઈ દુકાનદારમાં રહેલો અહંકાર જાગી ઊઠ્યો હતો અને તેણે કોઈ પણ પ્રકારની સંવેદના રાખ્યા વિના માસૂમ બાળકને જોરદાર ઝાપટ મારી દીધી હતી.આટલેથી જ ન અટકતાં દુકાનદારે દાદાગીરી કરતા શબ્દોમાં ખુલ્લી ધમકી આપી હતી કે ‘હવે પછી જે પણ મારી દુકાને પાણી પીશે તેને આવી જ રીતે મારીશ!’
