સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવતા સુરત મહાનગરપાલિકા તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે.કોર્ટની ટકોર બાદ પાલિકાએ આ વિસ્તારમાં અસરગ્રસ્ત થયેલા પરિવારો માટે તાત્કાલિક અસરથી વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.હાઈકોર્ટના આદેશનું પાલન કરતા પાલિકા તંત્ર દ્વારા અસરગ્રસ્તો માટે ભરીમાતા ખાતે આવેલા કોમ્યુનિટી હોલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે પરિવારો બેઘર થયા છે તેમને આ હોલમાં સ્થળાંતર કરવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. 


પરિવારો માટે રહેવાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે

પાલિકા અધિકારીઓએ ખાતરી આપી છે કે સ્થળાંતર કરાયેલા તમામ પરિવારો માટે રહેવાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે.અસરગ્રસ્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ભરીમાતા કોમ્યુનિટી હોલમાં વીજળી અને પીવાના પાણીની સુવિધા સહિતની પ્રાથમિક જરૂરિયાતો તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. પાલિકાની ટીમો દ્વારા સ્થળ પર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી દરેક પરિવારને જરૂરી મદદ મળી રહે.તંત્ર દ્વારા તમામ અસરગ્રસ્તોને શક્ય તેટલી વહેલી તકે નિર્ધારિત સ્થળે સ્થળાંતર કરી લેવા સૂચના આપવામાં આવી છે. 

ડિમોલિશન મામલે વિવાદ સર્જાયો

ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટે આ મામલે માનવીય અભિગમ અપનાવવાની ટકોર કર્યા બાદ પાલિકા તંત્ર હવે વધુ ત્વરિત ગતિએ કામ કરી રહ્યું છે. નાસીરનગરમાં ભૂતિયા ડિમોલિશન મામલે વિવાદ સર્જાયો હતો. લોકોના મકાનો પર કોને બુલડોઝર ફેરવ્યું તેને લઈને અનેક સવાલો ઉભા થયા હતાં. આખરે મ્યુનિસિપલ કમિશ્નરે સમગ્ર બાબતે જવાબ આપવામાં પણ જાણે આંખ આડા કાન કર્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. પાલિકાના કર્મચારીઓ પણ મીડિયાના સવાલોથી ભાગ્યા હતાં. આખરે હાઈકોર્ટમાં આ મુદ્દો જતાં બેઘર થયેલા લોકોને રહેવાની સુવિધા માટે ઓર્ડર કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચોઃ Gandhinagar News: વડોદરામાં યોજાનારી VGRCમાં ગિફ્ટ સિટી ભારતના વૈશ્વિક નાણાંકીય પ્રવેશદ્વાર તરીકે પોતાની ભૂમિકા રજૂ કરશે



  • Follow us on: