જેને લોકો જીવાદોરી સમજીને પોતાની જિંદગી બચાવવા માટે બોલાવે છે, તે જ 108 એમ્બ્યુલન્સ સુરતમાં એક ગરીબ દર્દી માટે કાળ સાબિત થઈ છે. સુરત શહેરમાં મોડી રાત્રે 108 એમ્બ્યુલન્સના ચાલકની ઘોર બેદરકારીના કારણે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે દોડતી એમ્બ્યુલન્સના ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી સીધી થાંભલા સાથે અથડાવી દીધી હતી. આ કાળજું કંપાવનારા અકસ્માતમાં સારવાર માટે લઈ જવાઈ રહેલો દર્દી જ ગંભીર રીતે ઘાયલ થયો છે.


દર્દી સ્ટ્રેચરની નીચે દબાઈ ગયો

ઘટનાની વિગત મુજબ, મોડી રાત્રે ખારવડ નગર BRTS પાસે આ અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે એમ્બ્યુલન્સની અંદર સૂતેલો દર્દી સ્ટ્રેચરની નીચે દબાઈ ગયો હતો અને અંદર રાખેલા મેડિકલના ભારે સાધનો તેની છાતી પર આવી પડ્યા હતા. અકસ્માત બાદ લોહીલુહાણ હાલતમાં દર્દીને તાત્કાલિક બીજી 108 એમ્બ્યુલન્સ બોલાવીને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

કરોડરજ્જુની નસો બ્લોક થઈ જતાં દર્દી લકવાગ્રસ્ત

સિવિલ હોસ્પિટલમાં એક્સ-રે અને સોનોગ્રાફી સહિતના મેડિકલ રિપોર્ટ કરાવતા અત્યંત આઘાતજનક વિગતો સામે આવી છે. અકસ્માતના આંચકાના કારણે દર્દીની કરોડરજ્જુની નીચેની નસો સંપૂર્ણપણે બ્લોક થઈ ગઈ છે. જેના કારણે હવે તેના આખા શરીરમાં કોઈ હલચલ થતી નથી અને દર્દી માત્ર ગરદન જ હલાવી શકે છે, એટલે કે તે લકવાગ્રસ્ત થઈ ગયો છે.

 પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું

ભોગ બનનાર દર્દી ગરીબ પરિવારનો છે અને તેને બે નાની દીકરીઓ છે, જેથી ઘરના મોભીની આવી હાલત થતાં પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. પીડિતના ભાઈ મહેન્દ્ર મિશ્રાએ મીડિયા સમક્ષ રડતી આંખે ન્યાયની ગુહાર લગાવી છે અને બેદરકાર ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.


આ પણ વાંચો----     Earthquake : ખૌફનાક સંયોગ, પૃથ્વીના બે વિરોધી છેડા પર આવેલા 2 દેશો 2 કલાકની અંદર ઘ્રુજી ઉઠ્યા, Video

  • Follow us on: