સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં દુષ્કર્મના ગંભીર ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામના પુત્ર નારાયણ સાંઈને આજે અચાનક ચુસ્ત અને લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જેલ પ્રશાસન તરફથી મળતી માહિતી મુજબ, નારાયણ સાંઈને છેલ્લા કેટલાક સમયથી દાંતમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. જેલની આંતરિક હોસ્પિટલમાં પ્રાથમિક તપાસ બાદ નિષ્ણાત તબીબોની સલાહ અને વધુ વિગતવાર સારવારની જરૂરિયાત જણાતાં જેલ સત્તાવાળાઓ દ્વારા તેને કડક સુરક્ષા કવચ હેઠળ સિવિલ હોસ્પિટલ ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પોલીસ કાફલા સાથે સિવિલ હોસ્પિટલમાં એન્ટ્રી
હાઈ-પ્રોફાઈલ અને સંવેદનશીલ કેદી હોવાના કારણે લાજપોર જેલથી સિવિલ હોસ્પિટલ સુધી હથિયારધારી પોલીસ જવાનો અને વાન સાથે તેને લાવવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલ પહોંચતાં જ પરિસરમાં વધારાનો પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો હતો. નારાયણ સાંઈને સીધો ડેન્ટલ (દાંતના) વિભાગની ઓપીડીમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સ્પેશિયાલિસ્ટ તબીબો દ્વારા તેના દાંત, પેઢા અને જડબાની તબીબી તપાસ હાથ ધરવામાં આવી હતી. તબીબોએ દાંતના દુખાવા માટે જરૂરી પ્રાથમિક સારવાર, ચેકઅપ તેમજ એક્સ-રે સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી જરૂરી પેઈનકિલર અને એન્ટિબાયોટિક દવાઓ આપી હતી.
