સુરત શહેરમાં ભારે વરસાદ અને પૂરના કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિ અંગે સુરતની જનતાની મુશ્કેલીઓ વહીવટી તંત્ર અને સરકાર સુધી પહોંચાડ્યા બાદ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે પરિસ્થિતિનો તાગ મેળવવા સુરત દોડી આવ્યા છે.
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં અધિકારીઓ સાથે હાઈલેવલ બેઠક
સુરત પહોંચીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આઈ-ટ્રિપલ સી એટલે કે Integrated Command and Control Centre ખાતે સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે એક હાઈલેવલ બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ પૂર અસરગ્રસ્ત વિસ્તારોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને અસરગ્રસ્ત લોકોને વહેલી તકે તમામ પ્રકારની સહાય પૂરી પાડવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
પ્રી-મોન્સૂન કામગીરી પર મુખ્યમંત્રી લાલઘૂમ, બેદરકાર અધિકારીઓનો લીધો ઉધડો
સુરતમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિ અંગે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં નબળી પ્રી-મોન્સૂન કામગીરીને લઈને મુખ્યમંત્રીએ અધિકારીઓનો ભારે ઉધડો લીધો હતો. બેઠકમાં મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓને આકરા સવાલો કરતા પૂછ્યું હતું કે, વરસાદ રોકાયા બાદ પણ હજુ સુધી પાણી કેમ નથી ઓસર્યા? પ્રશાસનની શિથિલતા સામે ભારે નારાજગી વ્યક્ત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ આદેશ આપ્યા છે કે, આ પરિસ્થિતિ માટે જવાબદાર અધિકારીઓ અને નબળું કામ કરનાર એજન્સીઓ સામે તાત્કાલિક કડક કાનૂની અને વહીવટી કાર્યવાહી કરવામાં આવે.
https://twitter.com/sandeshnews/status/2075151780116390286
10 જુલાઈની સાંજ સુધીમાં કેશડોલ અપાશે, ખાડીપૂર રોકવા રૂ. 500 કરોડ ફાળવાશે - DYCM
સુરતમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી હાઈલેવલ બેઠક પૂર્ણ થઈ છે, જે બાદ DyCM હર્ષ સંઘવીએ મહત્વની જાહેરાતો કરી છે. તેમણે જણાવ્યું કે, પૂરગ્રસ્તોની સહાય માટે આવતીકાલ સાંજ સુધીમાં અસરગ્રસ્તોને કેશડોલ ચૂકવવાનો આદેશ આપી દેવાયો છે. આ સાથે સુરતમાં ભવિષ્યમાં ખાડીપૂરની સમસ્યા કાયમી ધોરણે રોકવા માટે રૂ. 500 કરોડની ફાળવણી સાથે ખાસ આયોજન કરવામાં આવશે. બેઠકમાં પ્રી-મોન્સૂન કામગીરીની બેદરકારી અંગે કડક વલણ અપનાવતા તેમણે ઉમેર્યું કે, આ સ્થિતિ માટે જે પણ જવાબદાર અધિકારીઓ હશે તેમની સામે કડક પગલાં લેવાશે. છેલ્લે, તેમણે સંકટના સમયે એકબીજાની વહારે આવેલા સુરતીઓની સેવાભાવનાને પણ બિરદાવી હતી.

કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે સુરતના ભટાર વિસ્તારની લીધી મુલાકાત
સુરતમાં ભારે વરસાદ અને પૂરના કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ મેદાનમાં આવ્યા છે. તેમણે સુરતના ભટાર રોડ પર આવેલા આઝાદનગર વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈને પૂરના પાણીથી પ્રભાવિત સ્થાનિક પરિવારો સાથે સંવાદ કર્યો હતો અને તેમને તમામ સંભવિત મદદની ખાતરી આપી હતી. મુલાકાત દરમિયાન રોગચાળો ન ફેલાય તે માટે તેમણે વહીવટી તંત્રને યુદ્ધના ધોરણે તાત્કાલિક સફાઈ કામગીરી શરૂ કરવા સખત આદેશ આપ્યા છે, સાથે જ અસરગ્રસ્તો સુધી ઝડપથી સરકારી સહાય પહોંચાડવા તાકીદ કરી છે. આ પ્રવાસ દરમિયાન તેમની સાથે સુરત શહેર ભાજપ પ્રમુખ અને મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ હાજર રહ્યા હતા.

સુરતમાં પૂરની તબાહી પર ધારાસભ્ય કુમાર કાનાણી આક્રમક
સુરતમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂરની સ્થિતિ પર ભાજપના જ ધારાસભ્ય કુમાર કાનાણીએ તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કરતા સીધું જ નિવેદન આપ્યું છે કે, અધિકારીઓની નિષ્ફળતાને કારણે જ આજે સુરતમાં આ સ્થિતિ ઊભી થઈ છે. કાનાણીએ પોતાની નારાજગી વ્યક્ત કરતા ઉમેર્યું કે, હું વારંવાર રજૂઆતો કરું છું, પણ જે કામ થવું જોઈએ તે જમીની સ્તરે થતું નથી. જોકે, મુખ્યમંત્રી સાથે મળેલી હાઈલેવલ બેઠક અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે, હવે ભવિષ્યમાં શું કામગીરી કરવી તેને લઈને વિગતવાર ચર્ચા થઈ છે અને આ બેદરકારી બદલ મુખ્યમંત્રીએ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ પણ આપી દીધા છે.
સુરત ખાડીપૂર પર સાંસદ મુકેશ દલાલનું વિવાદાસ્પદ નિવેદન
સુરતમાં સર્જાયેલી ખાડીપૂરની ગંભીર સ્થિતિ વચ્ચે સુરતના સાંસદ મુકેશ દલાલનું એક બેદરકારી ભર્યું નિવેદન સામે આવ્યું છે. જનતા જ્યારે મુશ્કેલીમાં છે ત્યારે વહીવટી તંત્રની બેદરકારી છાવરતા હોય તેમ તેમણે જણાવ્યું કે, આ તો કુદરતનો કહેર છે, આમાં કોઈ શું કરી શકે. તેમણે પૂરની સ્થિતિ પાછળ ભારે વરસાદને કારણભૂત ગણાવતા ઉમેર્યું કે, અહીં 18 ઇંચ જેટલો ભારે વરસાદ વરસ્યો હોવાને કારણે આ સ્થિતિ ઊભી થઈ છે. જોકે, તેમણે વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી સાથે મળેલી બેઠકમાં ભવિષ્યના આયોજન અને આગામી પગલાંને લઈને વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.
https://twitter.com/sandeshnews/status/2075122917273489890
વરસાદે વિરામ લેતા રાહત, મનપા દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ શરૂ
ભારે વરસાદ અને ઉપરવાસમાંથી છોડાયેલા પાણીના કારણે સુરત શહેરના હાલ બેહાલ થઈ ગયા હતા અને અનેક સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ગઈ હતી. જોકે, વરસાદે વિરામ લેતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઓસરવાના શરૂ થઈ ગયા છે. પૂરના પાણી ઉતરતાની સાથે જ રોગચાળો ન ફેલાય તે માટે સુરત મનપાની આરોગ્ય અને સફાઈ ટીમ દ્વારા સમગ્ર શહેરમાં યુદ્ધના ધોરણે સફાઈ અને ડિસઇન્ફેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે.
