સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી આપનારા આરોપીને સુરત સાયબર ક્રાઈમ સેલ પોલીસે ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે.પકડાયેલા આરોપીની ઓળખ રમણ રામબાબુ સતન મિશ્રા તરીકે થઈ છે. આરોપીએ ગત 13 જુલાઈ 2026ના રોજ કોર્ટના સત્તાવાર ઈ-મેઈલ આઈડી પર એક સનસનાટીભર્યો ઈ-મેઈલ મોકલ્યો હતો, જેમાં Cort ma 5000 kg Rdx Bomb લખીને સમગ્ર કોર્ટ પરિસરને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.
આરોપી મૂળ બિહારનો વતની છે
આ ધમકીભર્યા ઈ-મેઈલને પગલે તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને સુરત સાયબર ક્રાઈમ સેલ પોલીસે તુરંત ગુનો નોંધીને ટેકનિકલ એનાલિસિસના આધારે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. સાયબર ક્રાઈમની ટીમે બાતમી અને ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કરીને આરોપી રમણ મિશ્રાને ઝડપી પાડી તેની અટકાયત કરી લીધી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આરોપી મૂળ બિહાર રાજ્યનો વતની છે અને છેલ્લા દસેક વર્ષથી સુરત ખાતે રહીને હીરા ઘસવાની મજૂરીનું કામ કરતો હતો. આરોપીએ કયા હેતુથી અને કોના કહેવાથી આટલી ગંભીર ધમકી આપી હતી તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે અને તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પૂર્વ આયોજિત તૈયારીઓ પણ કરી રાખી હતી
સુરત એડિશનલ ક્રાઇમ પોલીસ કમિશનર ડૉ. કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, આરોપીએ આ ધમકીભર્યો ઈ-મેઈલ પોતાના ફોનમાંથી નહીં પરંતુ તેની સાથે રહેતા અન્ય વ્યક્તિના મોબાઈલનો ઉપયોગ કરીને મોકલ્યો હતો. જેના માટે તેણે પૂર્વ આયોજિત તૈયારીઓ પણ કરી રાખી હતી. આ ઉપરાંત આરોપી સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ બાદ સુપ્રીમ કોર્ટને પણ ધમકીભર્યો ઈ-મેઈલ મોકલવાની પેરવીમાં હતો. પરંતુ મોબાઈલ માલિક અચાનક આવી જતાં તે ઈ-મેઈલ કરી શક્યો નહોતો. છેલ્લા ત્રણ મહિનાથી બેરોજગાર હોવાના કારણે માહોલ ખરાબ કરવાના ઈરાદે તેણે સોશિયલ મીડિયા પર વીડિયો અને રીલ્સ જોઈને આ કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરીને ચાર દિવસના રિમાન્ડ મેળવી આગળની સઘન તપાસ હાથ ધરી છે.
ન્યુ કોર્ટ બિલ્ડિંગમાં બોમ્બ મૂક્યો હોવાનો મેસેજ મળ્યો હતો
13 જુલાઈએ સુરત ન્યુ કોર્ટ બિલ્ડિંગમાં બોમ્બ મૂક્યો હોવાનો એક ધમકીભર્યો કોલ મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસની અલગ-અલગ ઉચ્ચ સ્તરીય ટીમો, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડ તાત્કાલિક અસરથી કોર્ટ કેમ્પસમાં આવી પહોંચી હતી. પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા કોર્ટ પરિસરના દરેક ખૂણે-ખૂણા, પાર્કિંગ એરિયા, વકીલોની ચેમ્બર્સ અને વિવિધ કોર્ટ રૂમ્સમાં સઘન તપાસ કરી હતી પણ કોઈ જ શંકાસ્પદ ચીજ મળી નહોતી.
આ પણ વાંચોઃ Ahmedabad News: સોમનાથ રિડેવલપમેન્ટને હવે મળશે વેગ, માનવ અધિકાર પંચે હસ્તક્ષેપ કરવા કર્યો ઇનકાર