સુરત શહેરમાં ક્રાઇમ રેટ પર કાબૂ મેળવવા અને બહારના રાજ્યોમાંથી ગુનો કરીને સુરતમાં આશરો લેતા તત્વોને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચ સક્રિય ભૂમિકા ભજવી રહી છે. આ દરમિયાન લોકલ ઇન્ટેલિજન્સ સોર્સ અને હ્યુમન નેટવર્કિંગના આધારે ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે લિંબાયતનો એક યુવક દિલ્હીથી ચોરી કરીને લવાયેલી મોંઘીદાટ લક્ઝરી કાર સુરતમાં સગેવગે કરવાની ફિરાકમાં છે. જેના આધારે વોચ ગોઠવીને લિંબાયતના મોહમંદ સોયેબને દબોચી લેવાયો હતો.
અસલીના નામે નકલી દસ્તાવેજો વેચવાનો કારસો
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જે વિગતો બહાર આવી છે તે સામાન્ય વાહન ખરીદનારાઓ માટે લાલબત્તી સમાન છે. આ તસ્કર ટોળકી દિલ્હી જેવા મોટા શહેરોમાંથી હાઈટેક ડિવાઈસનો ઉપયોગ કરી લક્ઝરી કારોની ચોરી કરતી હતી. ત્યારબાદ આ કારને પકડાઈ જતી બચાવવા માટે તેનો અસલી નંબર પ્લેટ બદલી નાખવામાં આવતો હતો. એટલું જ નહીં, સુરતમાં કોઈ ગ્રાહક શંકા ન કરે તે માટે તેઓ ખરીદનાર અને વેચનાર વ્યક્તિના નામના તદ્દન ખોટા અને નકલી દસ્તાવેજો ઉભા કરતા હતા. કારની બોગસ આરસી બુક અને આરટીઓ (RTO) ની નકલી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) પણ આબેહૂબ અસલી જેવી જ પ્રિન્ટ કરી લેતા હતા, જેથી ગ્રાહકોને અસલી કાર હોવાનું કહી લાખો રૂપિયા પડાવીને ઠગાઈ આચરતા હતા.










