ચોમાસાની ઋતુમાં અવારનવાર શાળાઓની દિવાલો ધરાશાયી થવાની, વૃક્ષો પડવાની કે કરંટ લાગવાને કારણે વિદ્યાર્થીઓ ભોગ બનતા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. આ વર્ષે આવી કોઈ પણ દુર્ઘટના સુરત જિલ્લામાં ન બને તે માટે સુરત DEO પ્રશાસન વહેલા તે પહેલાના ધોરણે એક્શન મોડમાં આવ્યું છે. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારની તમામ શાળાઓને ઇમરજન્સી સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરવા સખત શબ્દોમાં તાકીદ કરવામાં આવી છે.
ભારે વરસાદમાં શિક્ષકોની જવાબદારી વધી
નવી ગાઇડલાઇન મુજબ, જો અચાનક ભારે વરસાદ ખાબકે અને શાળાઓમાં પાણી ભરાઈ જાય અથવા ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ખોરવાય, તો આચાર્ય કે શિક્ષકો પોતાની મરજીથી શાળા બંધ કરીને ઘરે જઈ શકશે નહીં. શાળાના નાના-મોટા તમામ વિદ્યાર્થીઓ પોતપોતાના વાલીઓ સાથે કે સુરક્ષિત વાહનો દ્વારા ઘરે ન પહોંચી જાય, ત્યાં સુધી શિક્ષકોએ વાલી તરીકે શાળામાં રોકાવું પડશે અને બાળકોની દેખરેખ રાખવી પડશે.










