દેશ અને દુનિયાને હીરાની અનોખી ચમક આપનારા સુરત સહિત સમગ્ર ગુજરાતના લાખો રત્નકલાકારો હાલ કારમી મોંઘવારી સામે અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે. લાંબી વૈશ્વિક મંદી દરમિયાન કારખાનેદારો દ્વારા કાપી નખાયેલા મજૂરીના દરો હવે બજારમાં સુધારો આવ્યા છતાં પૂર્વવત કરવામાં આવ્યા નથી.હાલ રિયલ અને લેબગ્રોન હીરાની નવી માંગ ખૂલતાં જ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ સમક્ષ કારીગરોની મજૂરીમાં તાત્કાલિક વધારો અપાવવા રજૂઆત કરી છે.
બે વર્ષમાં 100 જેટલા રત્નકલાકારોએ આત્મહત્યા કરી
કાઉન્સિલના ચેરમેનને પાઠવેલા પત્રમાં જણાવાયું છે કે,સૌરાષ્ટ્ર અને સુરતમાં તૈયાર થતો માલ વૈશ્વિક સ્તરે કરોડો ડોલરનું હૂંડિયામણ રળી આપે છે, છતાં તેનો પાયો ગણાતા કારીગરોને શ્રમ કાયદા હેઠળ મળવાપાત્ર એકપણ લાભ આપવામાં આવતો નથી. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ચાલતા હીરાના કારખાનાઓમાં કારીગરોનું વ્યાપક શોષણ ચાલી રહ્યું છે અને સરકાર દ્વારા નિર્ધારિત કરાયેલા લઘુતમ વેતન કરતાં પણ ઓછી મજૂરી ચૂકવવામાં આવી રહી છે.ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ આર.ડી. ઝિલરિયા અને ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે,આર્થિક ભીંસ અને કમરતોડ મોંઘવારીના કારણે છેલ્લા બે વર્ષમાં આશરે 100 જેટલા રત્નકલાકારોએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દીધું છે.માત્ર એક્સપોર્ટ વધારવું જ પૂરતું નથી પરંતુ ઉદ્યોગપતિઓ કારીગરોને યોગ્ય પીસ રેટ આપે તે જોવાની નૈતિક જવાબદારી પણ કાઉન્સિલની બને છે.
