રોજગારી મેળવીને પરિવારનું ગુજરાન ચલાવવાના આશય સાથે સંયુક્ત આરબ અમીરાત (UAE) ગયેલા 60 જેટલા ભારતીય નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. દુબઈ સરકાર દ્વારા સ્થાનિક કાયદા અને નિયમોના ભંગના આરોપસર આ તમામ લોકોને તાત્કાલિક અસરથી ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે. આ કડક એક્શનના કારણે માત્ર નોકરી જ નહીં, પરંતુ શ્રમિકોએ પોતાની વર્ષોની કમાણી પણ ગુમાવવાનો વારો આવ્યો છે.
ભારતીય નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા
મળતી વિગતો અનુસાર, યુએઈ પ્રશાસન દ્વારા લેવાયેલા કાયદાકીય પગલાંના ભાગરૂપે ડિપોર્ટ કરાયેલા તમામ 60 ભારતીયોના પાસપોર્ટ, મોબાઈલ ફોન અને તેમની પાસે રહેલો અન્ય તમામ સામાન દુબઈમાં જ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. વિદેશની ધરતી પર કોઈપણ દસ્તાવેજ કે પૈસા વિના લાચાર બનેલા આ નાગરિકોની વહારે ત્યાંનું ભારતીય દૂતાવાસ આવ્યું હતું. ભારતીય એમ્બેસી દ્વારા તમામ મુસાફરો વતન પરત ફરી શકે તે માટે ખાસ 'ઇમરજન્સી સર્ટિફિકેટ' ઇસ્યુ કરવામાં આવ્યા હતા. આ વન-ટાઇમ ટ્રાવેલ ડોક્યુમેન્ટના આધારે એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ નંબર IX-274 મારફતે તમામ 60 મુસાફરોને સુરત એરપોર્ટ પર લાવવામાં આવ્યા છે.
