કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) સુરત ક્ષેત્રીય કચેરી દ્વારા ઔદ્યોગિક નગરી સુરતમાં સંગઠિત ક્ષેત્રમાં રોજગારી વધારવા અને શ્રમિકોના સામાજિક-આર્થિક કલ્યાણને સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની પ્રોત્સાહક યોજનાઓ અંતર્ગત સુરત EPFO એ જાહેરાત કરી છે કે નવી રોજગારીનું સર્જન કરનાર વેપારી એકમો અને સંસ્થાઓને પ્રતિ કર્મચારી ₹3,000 સુધીનો સરકારી આર્થિક લાભ આપવામાં આવશે.
સુરત EPFO એ જાહેરાત કરી
આ ઉપરાંત, પ્રથમ વખત નોકરી મેળવીને પીએફ ખાતું ખોલાવનારા નવા કર્મચારીઓને પણ ₹15,000 સુધીની સરકારી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.આ આર્થિક પ્રોત્સાહનોની સાથે જ EPFO સુરત દ્વારા પીએફ નોંધણી (Registration) કરાવવામાં આનાકાની કરતા કે કર્મચારીઓના અધિકારો છીનવતા એકમો સામે કડક વહીવટી અને કાનૂની કાર્યવાહી કરવાની ખુલ્લી ચેતવણી પણ આપવામાં આવી છે.
નવી રોજગારી માટે આકર્ષક સરકારી પ્રોત્સાહન
જે કંપનીઓ, કાપડ એકમો, હીરા પેઢીઓ કે લઘુ ઉદ્યોગો નવા કર્મચારીઓની ભરતી કરશે અને તેમને EPFO હેઠળ આવરી લેશે, તેમને સરકાર તરફથી પ્રતિ કર્મચારી ₹૩,૦૦૦ સુધીની સબસિડી/પ્રોત્સાહક રકમ મળવાપાત્ર થશે. પ્રથમ વખત ફોર્મલ સેક્ટરમાં નોકરી મેળવનારા કર્મચારીઓને સરકાર દ્વારા ડીબીટી (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) મારફતે ₹15,000સુધીનો આર્થિક લાભ આપવામાં આવશે. આ પ્રોત્સાહક પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય વધુમાં વધુ શ્રમિકોને ઔપચારિક અર્થતંત્રમાં લાવી તેમના પીએફ, પેન્શન અને વીમા કવચની ગેરંટી આપવાનો છે.
પીએફ નોંધણી ન કરાવનાર સંસ્થાઓ સામે ‘થ્રી-સ્ટેપ’ એક્શન પ્લાન
પીએફ પાત્રતા ધરાવતા હોવા છતાં નોંધણી ન કરાવનાર એકમોને 2 થી 3 વાર સત્તાવાર પત્ર લખીને તાત્કાલિક નોંધણી પૂર્ણ કરવા સમય આપવામાં આવશે. પત્ર વ્યવહાર છતાં નિયમોનું ઉલ્લંઘન ચાલુ રાખનાર સંસ્થાઓ સામે EPFO ના ઇન્સ્પેક્ટરો દ્વારા નિયમાનુસાર આકસ્મિક સ્થળ તપાસ હાથ ધરાશે.જો નિરીક્ષણ દરમિયાન સંસ્થામાં નિર્ધારિત શ્રમિકો (20 કે તેથી વધુ) કામ કરતા જણાશે, તો EPFO પોતે સંસ્થાને ફરજિયાત કોડ નંબર ફાળવીને પીએફના દાયરામાં લાવી દેશે અને જૂની તારીખથી પેનલ્ટી સહિત બાકી રકમની વસૂલાત કરશે.
સંસ્થાઓ અને કર્મચારીઓને અપીલ
સુરત EPFO કચેરીએ તમામ વેપારી એસોસિએશનો, સંસ્થાઓ અને શ્રમિકોને આગળ આવીને 100% નોંધણી પૂર્ણ કરવા અનુરોધ કર્યો છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે પીએફ એ કોઈ ટેક્સ કે આર્થિક બોજ નથી, પરંતુ કર્મચારીઓનું સુરક્ષિત રિટાયરમેન્ટ ફંડ, પેન્શન અને કટોકટીના સમયની બચત છે. સમયસર પીએફ જમા થવાથી કર્મચારીઓને ઇપીએફ (EPF), ઇપીએસ (EPS) પેન્શન અને ઇડીએલઆઈ (EDLI) હેઠળ ₹7 લાખ સુધીના મફત જીવન વીમાનો સીધો લાભ પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો: Surat: બારડોલી બાળાસરી અકસ્માતમાં ઇજાગ્રસ્ત શ્રમિકના માથામાંથી સળિયો સફળતાપૂર્વક દૂર કરાયો