દક્ષિણ ગુજરાતના નોકરિયાત અને શ્રમિક વર્ગ માટે અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. સુરત ખાતે EPFO ના રીજિયોનલ પ્રોવિડન્ટ ફંડ ઓફિસર સંજય સિંહ ગુર્જર દ્વારા યોજાયેલી એક વિશેષ પ્રેસ કોન્ફરન્સમાં પ્રોવિડન્ટ ફંડ (PF) ના નિયમોમાં કરવામાં આવેલા મોટા અને ઐતિહાસિક બદલાવ અંગે સત્તાવાર માહિતી આપવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા શ્રમિકો અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓના હિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
PM મોદીની અધ્યક્ષતામાં મંજૂરી
નવા નિયમ અનુસાર, હવે ફરજિયાત PF કવરેજ માટેની પગાર મર્યાદા રૂ.15,000 થી વધારીને રૂ.25,000 કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં શ્રમ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવને સત્તાવાર મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ માત્ર રૂ.15,000 સુધીનો માસિક પગાર ધરાવતા શ્રમિકો અને કર્મચારીઓનું જ ફરજિયાત PF કાપવામાં આવતું હતું, પરંતુ હવે નવી મર્યાદા અમલી બનતાં રૂ.25,000 સુધીનો પગાર મેળવતા તમામ કર્મચારીઓ આ દાયરામાં આવી જશે.
