સુરત જિલ્લામાં ખેડૂતોમાં ખાતરની અછત મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે. ખાતરની અછત અને ભાવ વધારા મુદ્દે ખેડૂતોએ રજુઆત કરી છે. માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં યુરિયા ખાતરની વર્તાઈ રહેલી ઘટ દૂર કરવા અને ખાતરના ભાવમાં વધારો તેમજ યુરિયા ખાતરની ખરીદી સાથે નેનો યુરિયા ફરજિયાત કરી ખેડૂતોનું થતું શોષણ અટકાવવા ખેડૂતોએ વિરોધ નોંધાવી આવેદન પત્ર પાઠવ્યું હતું.


આ વિસ્તારના ખેડૂતો ખેતી પર જ નિર્ભર

સુરત જિલ્લાના ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં નાના સીમાંત ખેડૂતો ખેતીકામ કરીને પરિવારનું ભરણપોષણ કરે છે, મુખ્યત્વે ચોમાસું આધારિત ખેતી પર આ વિસ્તારના ખેડૂતો નભે છે. ત્યારે હાલમાં ખેડૂતો રોપણી, વાવણી કામમાં જોતરાઈ ગયા છે, પરંતુ પુરક ખાતર તરીકે ઉપયોગમાં લેવાતાં યુરિયા ખાતરની અછતના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે, વહેલી સવારથી મોડી સાંજ સુધી સહકારી મંડળીઓના દરવાજે યુરિયા ખાતર લેવા માટે લાંબી લાંબી કતારો જોવા મળે છે.

NPK ખાતરની એક બેગમાં 130 રુપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો

જેમાં ખેડૂતો ભૂખ્યા તરસ્યા યુરિયા માટે લાઈનમાં ઉભા રહે છે, પરંતુ નંબર આવતા આવતાં યુરિયા ખાતર પુરું થઈ જાય છે, જેથી ખેડૂતો નિરાશા થઈ પાછા બીજા દિવસે પરત ફરે છે તો બીજી તરફ યુરિયા ખાતરની ખરીદી સાથે નેનો યુરિયા ફરજિયાત આપવામાં આવે છે, એ બંધ કરવા તેમજ ખેડૂતોને પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે. ત્યારે ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા NPK ખાતરની એક બેગમાં 130 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને એ પાછો ખેંચવા માટેની પણ માગણી કરવામાં આવી હતી. ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે કે ખેડૂતોની આવક ડબલ કરવાના બદલે દેવું ડબલ થઈ રહ્યું છે જે ચિંતા જનક બાબત છે.

  • Follow us on: