સુરત મનપાએ પ્રકૃતિના તત્વોથી પ્રકૃતિનું જતનનો માર્ગ અપનાવ્યો છે.મનપા દ્વારા કાર્યરત વર્મી કમ્પોસ્ટીંગ પ્લાન્ટમાં ફૂલ-પાનના વેસ્ટમાંથી ગત વર્ષે 70 ટન વર્મી કમ્પોસ્ટનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.કચરામાંથી કાચું સોનું તૈયાર કરતો આ પ્લાન્ટ વર્ષ 2017માં ચોકબજાર ખાતે અને વર્ષ 2018થી કતારગામ સિંગણપોર ખાતે કાર્યરત છે.જેમાં શહેરના વિવિધ મંદિરો, દેરાસરો અને દરગાહમાંથી એકઠા કરાયેલા ફૂલો, પૂજાપાનું પ્રોસેસિંગ કરી ફર્ટિલાઈઝર બનાવવામાં આવે છે.ગત વર્ષે આ પ્લાન્ટ થકી 2.30 લાખ કિલો ફ્લાવર વેસ્ટમાંથી 70 હજાર કિલો ખાતર તૈયાર કરવામાં આવ્યું હતું.
લોકોમાં ચામડી સહિતના રોગ થવાનો ભય રહેતો હતો
પ્લાન્ટ અંગે વિસ્તૃત જાણકારી આપતા સેનેટરી સબ ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે,આ પ્લાન્ટ હેઠળ કતારગામ,સેન્ટ્રલ,રાંદેર અને અઠવાઝોનના અંદાજિત 297 ધાર્મિક પરિસરોમાંથી દૈનિક 700 કિ.ગ્રા જેટલો ફૂલ-પાન સહિતનો કચરો એકત્રિત કરવામાં આવે છે.દેવસ્થાનોનો ફ્લાવર વેસ્ટ,પૂજાપો પહેલા નદી-નાળામાં પધરાવાથી પાણી પ્રદૂષિત થવાની સાથે લોકોમાં ચામડી સહિતના રોગ થવાનો ભય રહેતો હતો.તેથી નદી-નાળામાં થતું પાણી પ્રદૂષણ અટકાવવાના વૈકલ્પિક સ્વરૂપે SMC દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના હેતુથી વર્મી કમ્પોસ્ટીંગ પ્રોજેક્ટની શરૂઆત થઈ હતી.
કેવી રીતે બને છે વર્મી કમ્પોસ્ટ ખાતર
કચરાને કલેક્શન અને સેગ્રીગેશન, પ્રિ-કંપોસ્ટીંગ,વર્મી કંપોસ્ટીંગ અને વર્મી કંપોસ્ટ એમ વિવિધ ચાર વિભાગમાં વહેંચીને ખાતર બનાવવામાં આવે છે.પ્રથમ વિભાગમાં વેસ્ટ ભેગો કરી તેમાંથી દૂધની થેલી, કોડિયા, માટીની મૂર્તિ, શ્રીફળ, બેલ અને માટલીઓને છૂટા પાડવામાં આવે છે.વર્ગીકરણ બાદ બચેલા ગ્રીન વેસ્ટને ગાયના છાણ સાથે 60:40 રેશિયોમાં ભેગો કરી સડાવીને અળસિયાને ખાવાલાયક બનાવવામાં આવે છે.જેમાં અંદાજે 35 દિવસનો સમય લાગે છે.ત્યારબાદ પ્રિ કમ્પોસ્ટ વેસ્ટમાં અળસિયા ભેગા કરવાથી અળસિયા ઉત્તમ પ્રકારનું વર્મી કમ્પોસ્ટ તૈયાર કરે છે.જેમાં ફરી 35 દિવસનો સમય લાગે છે.અને અંતિમ તબક્કામાં તૈયાર થયેલા ખાતરમાંથી અળસિયા કાઢી લઈ વેસ્ટને ચાળવામાં આવે છે જેનાથી વપરાશ માટે તૈયાર ખાતર મળે છે.
ખાતરને SMCના ગાર્ડન વિભાગમાં આપવામાં આવે છે
આ પ્લાન્ટ થકી તૈયાર થતાં ખાતરને SMCના ગાર્ડન વિભાગમાં આપવામાં આવે છે અને તેઓ દ્વારા સમગ્ર શહેરમાં ડિવાઈડરો અને બાગ બગીચાઓમાં થતાં છોડ-વૃક્ષોમાં ઉપયોગ કરવામાં આવે છે.સાથે જ તેમણે કહ્યું કે, ફ્લાવર વેસ્ટમાંથી બનતા ફર્ટિલાઈઝેશન પ્લાન્ટથી પ્રેરિત થઈ શહેરની વિવિધ શાળા-કોલેજોમાં પણ હવે ગાર્ડન વેસ્ટમાંથી વર્મી કમ્પોસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે.ધરતીનું કાળું સોનું ગણાતા અળસિયા જમીનને ફળદ્રુપ રાખવાનું કામ કરે છે.તેઓ ધરતીને નરમ રાખે છે, જેથી વરસાદનું મીઠું પાણી જમીનમાં ઉતરે છે જે જમીનની ગુણવત્તા સુધારે છે.