ખાણીપીણીના શોખીનોના શહેર ગણાતા સુરતમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતાં તત્વો સામે સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે લાલ આંખ કરી છે. શહેરમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા જાળવવા માટે શરૂ કરવામાં આવેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત ફૂડ વિભાગની ટીમોએ સતત ચોથા દિવસે શહેરભરની 78 જેટલી જાણીતી હોટલો અને રેસ્ટોરન્ટોમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ મોટાપાયે ચાલેલા ચેકિંગને પગલે હોટલ સંચાલકો અને રેસ્ટોરન્ટ માલિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

69 કિલો વાસી-અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ

તપાસ દરમિયાન અનેક હોટલો અને રેસ્ટોરન્ટોના રસોડામાં અત્યંત ગંદકી અને બિનઆરોગ્યપ્રદ પરિસ્થિતિ જોવા મળી હતી. ફ્રિજમાં રાખવામાં આવેલા જૂના ગ્રેવી, વાસી લોટ, દાઝેલું તેલ અને દુર્ગંધ મારતા નોન-વેજ તેમજ શાકાહારી પદાર્થો મળી આવ્યા હતા. ટીમોએ સ્થળ પર જ તપાસ હાથ ધરીને માનવ આરોગ્ય માટે જોખમી એવા 69 કિલોગ્રામ જેટલા અખાદ્ય અને વાસી ખોરાકના જથ્થાનો સ્થળ પર જ ફિનાઇલ નાખીને નાશ કર્યો હતો. ગુણવત્તાની ચકાસણી માટે વિવિધ હોટલોમાંથી તેલ, મસાલા, પનીર અને ગ્રેવી સહિતના 32 શંકાસ્પદ ખાદ્યપદાર્થોના નમૂના (સેમ્પલ) એકત્ર કરી પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પૃથક્કરણ અર્થે મોકલી આપ્યા છે.

39 હોટલોને નોટિસ ફટકારી

રસોડામાં સાફ-સફાઈના નિયમોનું પાલન ન કરનારા, ડસ્ટબિન ખુલ્લા રાખનારા, કર્મચારીઓએ માસ્ક કે હેડ કેપ ન પહેર્યા હોય તેવા તેમજ ફૂડ લાયસન્સના નિયમોનો ભંગ કરનારા 39 હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોને વહીવટી તંત્ર દ્વારા કડક નોટિસ ફટકારવામાં આવી છે.આ ઉપરાંત, સ્થળ પર જ હાઈજીન અને સેનિટાઈઝેશનના નિયમોનો સરેઆમ ભંગ કરનારા એકમો પાસેથી રૂપિયા 1,34,900 (એક લાખ ચોત્રીસ હજાર નવસો) નો રોકડ દંડ સ્થળ પર જ વસૂલ કરવામાં આવ્યો હતો. ફૂડ વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી તહેવારોને ધ્યાને રાખીને આ પ્રકારનું આકસ્મિક ઇન્સ્પેક્શન શહેરના તમામ ઝોનમાં સતત ચાલુ રહેશે અને લેબોરેટરી રિપોર્ટમાં ભેળસેળ સાબિત થશે તો સંચાલકો સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે.

આ પણ વાંચો: Surat: ક્રાઈમ બ્રાન્ચે MD ડ્રગ્સ સાથે બે પેડલર ઝડપી લીધા, ઇ-સ્કૂટર અને વજન કાંટો જપ્ત!