ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર ડબરાની તરફ ગંગનાની નજીક આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો.એક ઇનોવા કાર પરથી ડ્રાઈવરે કાબુ ગુમાવતા કાર સીધી જ નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ગુજરાતના સુરતના ચાર લોકોના મોત થયાં છે. એક વ્યક્તિને ઈજા પહોંચી છે. જ્યારે એક વ્યક્તિ લાપતા હોવાની વિગતો સામે આવી છે.
કતારગામના એક જ પરિવારના ચાર લોકોના મોત
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના મટવાડી તાલુકામાં આવેલા ગંગનાની વિસ્તારમાં આજે વહેલી સવારે સર્જાયેલા દર્દનાક માર્ગ અકસ્માતમાં સુરતના ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.મૃતકો સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી શિવશક્તિ રેસિડન્સીમાં રહેતા એક જ પરિવારના સભ્યો હોવાનું સામે આવ્યું છે.જેમાં અશોકભાઈ પટેલ અને રીતિકા અશોકભાઈ પટેલ, સરવરિયા ઘનશ્યામભાઈ સહિત ચાર લોકોના મોત નિપજ્યાં છે. આ ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે બે લોકો હજી લાપતા હોવાથી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. અકસ્માતગ્રસ્ત કારમાં કૂલ સાત લોકો સવાર હતાં.
